અમદાવાદના સોલામાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં મોટી દુર્ઘટના, બે શ્રમિકોના મોત

અમદાવાદના સોલા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવી રહેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં દુર્ઘટના સર્જાઈ છે. સ્ટેશનમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ડ્રેનેજમાંથી નીકળતા ગેસની અસર થતાં એક શ્રમિક પાણીમાં પડી ગયો હતો.

પાણીમાં પડેલા શ્રમિકને બચાવવા માટે અન્ય ત્રણ શ્રમિકોએ પણ પાણીમાં કુદી પડ્યા હતા. આ રીતે કુલ ચાર શ્રમિકો દુર્ઘટનામાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

4માંથી બેને બચાવવામાં સફળતા

પ્રાથમિક માહિતી અનુસાર, ચાર શ્રમિકોમાંથી બેને બચાવવામાં સફળતા મળી હતી. જ્યારે અન્ય ફસાયેલા શ્રમિકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ફસાયેલા શ્રમિકોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ ફાયરબ્રિગેડ દ્વારા વધુ શોધખોળ હાથ ધરાતા બીજા શ્રમિકનો મૃતદેહ પણ મળી આવ્યો છે.  ઘટનાની જાણ થતાં AMCના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પમ્પિંગ સ્ટેશનમાં વેલ્ડિંગ દરમિયાન ગેસની અસર કેવી રીતે થઈ અને દુર્ઘટના કયા સંજોગોમાં સર્જાઈ તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી.

બે મજૂરોના મોત

HNB એજન્સી નામની કંપનીના ચાર મજૂરો જે સોલા STP પ્લાનમાં વોલ્ડિંગનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન વોલ્ડિંગ વર્કર ગેસના કારણે બેભાન થઈ જવાથી અંદર પડેલ છે, જેમાંથી બે માણસોને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ચાર મજૂરોમાં સાઈડ ઇન્ચાર્જ મનોજ, વેલ્ડિંગ વર્કર અભિષેક, સાઈડનો PM રૂપેશ અનેગાડી ડ્રાઈવર નિલેશનો સમાવેશ થાય છે, જેમાંથી મનોજ અને અભિષેકના મોત થયા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *