માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને યુપીના સુલતાનપુરની એક અદાલતે માનહાનિના કેસમાં મુક્ત કરી દીધા છે. વિશેષ મેજિસ્ટ્રેટ શુભમ વર્માની અદાલતે આ ચુકાદો આપ્યો છે. ચુકાદા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી પોતે કોર્ટમાં હાજર રહ્યા હતા.
આ કેસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આપવામાં આવેલા નિવેદન સાથે જોડાયેલો છે. ભાજપ નેતા અને જિલ્લા સહકારી બેંકના પૂર્વ અધ્યક્ષ વિજય મિશ્રાએ 4 ઓગસ્ટ 2018ના રોજ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી.અદાલતે ગાંધીને 27 નવેમ્બર 2023ના રોજ કેસનો સામનો કરવા માટે સમન પાઠવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ નેતા અદાલતમાં હાજર થયા અને તેમને જામીન મળી ગયા. બાદમાં વિજય મિશ્રાએ રાહુલ ગાંધીના વોઈસ સેમ્પલની માંગ કરી. ટ્રાયલ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી.2018ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ બેંગલુરુમાં તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહના સંદર્ભમાં નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ અમિત શાહ પર હત્યાના એક કેસમાં આરોપી હોવાનો ઉલ્લેખ કરતા તેમની રાજકીય વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવ્યા હતા.
આ જ નિવેદનને લઈને 4 ઓગસ્ટ 2018ના રોજ સુલતાનપુરમાં કેસ દાખલ કરવા માટે ફરિયાદ આપવામાં આવી હતી. ફરિયાદકર્તા વિજય મિશ્રાનો આરોપ છે કે રાહુલ ગાંધીની ટિપ્પણીથી અમિત શાહની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું અને આ ગુનાહિત માનહાનિનો કેસ બને છે. રાહુલ ગાંધીએ આરોપોને ફગાવી દીધા છે. તેમનો પક્ષ છે કે ફરિયાદ રાજકીય દ્વેષથી પ્રેરિત છે અને તેમણે કોઈને બદનામ કરવાના ઈરાદાથી નિવેદન આપ્યું નહોતું.
રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓને નડ્યો હતો અકસ્માત
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના કાફલાના વાહનો પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર સુલતાનપુર નજીક અકસ્માતનો ભોગ બન્યા હતા. રાહુલ સોમવારે (26 ઓક્ટોબર) લખનૌથી સુલતાનપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના કાફલાની ચાર ગાડીઓ અને એમ્બ્યુલન્સ એકબીજા સાથે અથડાઈ ગઈ. મહત્વની વાત એ છે કે રાહુલ સંપૂર્ણપણે સુરક્ષિત હતા અને તેઓ કોર્ટ પહોંચી ગયા હતા. પરંતુ તેમની સાથેના કેટલાક કાર્યકરોને ઈજા પહોંચી હતી.