ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ

અમદાવાદમાં ગુજરાત ATSને આતંકવાદ વિરોધી અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. જૈશ-એ-મોહમ્મદના પ્રચાર-પ્રસાર અને નેટવર્ક સાથે સંકળાયેલા હોવાના આરોપમાં ATSએ વધુ પાંચ દેશવિરોધી તત્વોની ધરપકડ કરી છે. અગાઉ ઝડપાયેલા આઠ આરોપીઓની પૂછપરછ અને મોબાઈલ-સર્વેલન્સના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

ATSએ બિબાલ શેરા, મોહમદ અયુબ કાદિવાલ, મોહમદ શફી મુખી, મોહમદ હસન કારડિયા અને મોહમદ અયુબ સુનાસરાની ધરપકડ કરી છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, આ પાંચેય આરોપીઓ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા હતા અને કથિત રીતે પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વિચારોનો પ્રચાર-પ્રસાર કરતા હતા.  તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ATSની પૂછપરછમાં સામે આવ્યું છે કે, અયુબ કાદિવાલ અને મોહમ્મદ શેરા કથિત રીતે બોમ્બ બનાવવાની તાલીમ મેળવી રહ્યા હતા. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારોના અવાવરુ સ્થળોએ ટાઈમ બોમ્બ બનાવી તેનું પરીક્ષણ પણ કરતા હોવાનો આરોપ છે. આ સમગ્ર મામલે તપાસ એજન્સી વધુ પુરાવા એકત્ર કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે કાર્યવાહી તેજ કરી છે.

ઉલ્લેખનીય છે કે ,આ માહિતી પ્રાથમિક તપાસના આધારે સામે આવી છે અને આરોપીઓ સામેની તપાસ હજુ ચાલુ છે. ATS દ્વારા આજે બપોરે 12:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જેમાં સમગ્ર કેસ અંગે વધુ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. આ કેસને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને રાજ્યમાં આતંકવાદી નેટવર્ક સામેની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે.                                    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *