કચ્છમાં SOGની મોટી કાર્યવાહી, ISISની વિચારધારાનો પ્રચાર કરનાર શખ્સ ઝડપાયો

કચ્છ જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પ્રતિબંધિત સંગઠન ISISની વિચારધારાનો પ્રચાર કરવા અને ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરવા બદલ એક શખસ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ફકીરમામદ ઈસા ગગડા નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસ મુજબ છેલ્લા ચાર વર્ષથી તે ઉશ્કેરણીજનક પોસ્ટ્સ શેર કરી રહ્યો હતો અને દેશની એકતા તથા અખંડિતતા વિરુદ્ધ સામગ્રી ફેલાવતો હતો. પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા પધ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.  

મળતી માહિતી મુજબ, પશ્ચિમ કચ્છ SOGને ચોક્કસ બાતમી મળી હતી કે લોડાઈ ગામનો રહેવાસી ફકીરમામદ ઈસા ગગડા નામનો શખસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શંકાસ્પદ અને દેશવિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને તપાસ હાથ ધરતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ફકીરમામદ છેલ્લા ચાર વર્ષથી સોશિયલ મીડિયા પર સક્રિય હતો અને આતંકવાદી સંગઠન ISISની વિચારધારાને પ્રોત્સાહન આપતી સામગ્રી શેર કરતો હતો. તે સતત એવી ઉશ્કેરણીજનક પોસ્ટ્સ અને કન્ટેન્ટ મુકતો હતો જેનાથી દેશની એકતા અને અખંડિતતા જોખમાય. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને પશ્ચિમ કચ્છ SOG દ્વારા આરોપી સામે પધ્ધર પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નેટવર્ક અને ડિજિટલ પુરાવાઓની તપાસ તેજ

ફકીરમામદ સામે દેશવિરોધી પ્રવૃત્તિઓ અને ઉશ્કેરણી ફેલાવવા બદલ ગુનો દાખલ કરી તેની અટકાયતની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ શખસ અન્ય કોના સંપર્કમાં હતો અને તેની પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ. હાલમાં તેના તમામ ડિજિટલ ઉપકરણો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *