ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં કોંગ્રેસમાં મોટા ઉલટફેર, જાણો રાજ્યની કમાન જેમના હાથમાં સોંપી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મોટો ફેરફાર કર્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાતના પાર્ટી પ્રભારી તરીકે રાજ્યસભા સાંસદ રણદીપસિંહ સુરજેવાલાની નિમણૂક કરી છે. અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા મુકુલ વાસનિકને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
રણદીપ સુરજેવાલાને ગુજરાતની સાથે કર્ણાટકના મહાસચિવ પ્રભારી તરીકેની વધારાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. પાર્ટીના સંગઠનાત્મક ફેરફારોની યાદી કોંગ્રેસ અધ્યક્ષની મંજૂરી બાદ તાત્કાલિક અમલમાં આવી છે.
મુકુલ વાસનિકે ગુજરાતની જવાબદારીમાંથી પોતાને મુક્ત કરવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને ધ્યાનમાં લઈને કોંગ્રેસે હવે ગુજરાતનો હવાલો રણદીપસિંહ સુરજેવાલાને સોંપ્યો છે. જોકે, મુકુલ વાસનિક કોંગ્રેસના AICC મહાસચિવ તરીકે યથાવત રહેશે અને પાર્ટીમાં તેમની અન્ય જવાબદારીઓ અગાઉની જેમ ચાલુ રહેશે.
ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરજેવાલાની નિમણૂકને મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિર્ણય તરીકે જોવામાં આવી રહી છે. નવી જવાબદારી સાથે સુરજેવાલા સામે ગુજરાતમાં સંગઠનને વધુ સક્રિય કરવાનું, પાર્ટીના વિવિધ સ્તરના નેતાઓ વચ્ચે સંકલન વધારવાનું અને ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારીઓને ગતિ આપવાનું પડકાર રહેશે.
કોંગ્રેસે માત્ર ગુજરાત પૂરતું જ સંગઠનાત્મક પુનર્ગઠન કર્યું નથી. પાર્ટીએ અન્ય રાજ્યોના પ્રભારીઓમાં પણ મોટા ફેરફારો કર્યા છે.
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને પંજાબના પ્રભારી પદેથી હટાવીને આસામની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સચિન પાયલોટને પંજાબના નવા પ્રભારી બનાવવામાં આવ્યા છે.
પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક મતભેદો અને જૂથવાદ વચ્ચે પાયલોટની નિમણૂકને સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.