અલનીનોની અસર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી ઉચ્ચસ્તરીય બેઠક, સરકારે લીધા 3 મોટા નિર્ણયો

CM Bhupendra Patel
CM Bhupendra Patel

રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અદ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. સુજલામ-સુફલામ યોજના અને નર્મદા કેનાલ નેટવર્કના માધ્યમથી ખરીફ ઋતુ માટે ખેડુતોને પુરતું પાણી મળી રહે તે માટેના 3 મહત્વપુર્ણ નિર્ણયો આ બેઠકમાં લેવામાં આવ્યા હતા. તદઅનુસાર, મહી કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદા યોજનામાંથી ૨૦ દિવસ માટે ૫૦૦૦ કયુસેકસ પાણી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

સૌની યોજનાની લિંક-૧ મારફતે સૌથી ઓછા વરસાદવાળા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં નર્મદાનું પાણી તા. ૧૯/૦૮/૨૦૨૬થી આપવામાં આવી રહ્યું છે અને હાલમાં ઉભા પાકને બચાવવા માટે વધુ 10 દિવસ માટે આ પાણી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત વિસ્તારમાં સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના મારફતે નર્મદા યોજના માંથી તા. ૧૯/૦૮/૨૦૨૬થી ૨૦૦૦ કયુસેકસ પાણી આપવામાં આવે છે, તેને વધુ ૧૫ દિવસ માટે આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

રાજ્યમાં પ્રવર્તમાન અલ નીનો (El Niño)ની પરિસ્થિતિના કારણે વરસાદ અને પાણીની ઉપલબ્દ્ધીની સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં સિંચાઈના તથા પીવાના પાણીની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એટલુ જ નહિ, જો આગામી સમયમાં પર્યાપ્ત વરસાદ ન થાય અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો ન થાય, તો પીવાના પાણીની જરૂરિયાતને પ્રાથમિકતા આપવાના દિશા નિર્દેશો મુખ્યમંત્રીએ આ બેઠકમાં આપ્યાં હતાં.

શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને પાણીની અછતવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં, પીવાના પાણીનો પુરવઠો સુચારુ અને અવિરત રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવાની પણ તેમણે સુચનાઓ આપી હતી. સંબંધિત વિભાગો તથા જિલ્લા કક્ષાના અધિકારીઓને પાણીની સ્થિતિ પર સતત નજર રાખવા, ઉપલબ્ધ જળસંસાધનોનો કાર્યક્ષમ અને કરકસરપૂર્વક ઉપયોગ કરવા તેમજ પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં લેવા મુખ્યમંત્રીએ તાકીદ કરી.

રાજ્ય સરકાર વરસાદ, જળાશયોમાં પાણીની સપાટી અને પાણીની ઉપલબ્ધતાની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને પરિસ્થિતિ અનુસાર સમયાંતરે ખેડૂતો અને રાજ્યની જનતાના વ્યાપક હિતમાં જરૂરી નિર્ણયો લેવાનું પણ આ બેઠકમાં મુખ્યમંત્રીએ સુચન કર્યુ હતું. આ ઉપરાંત તમામ નાગરિકો અને ખેડૂતોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા તથા પાણીના સંરક્ષણમાં સહયોગ આપવાની પણ અપીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *