રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં વાહન માલિકો માટે રજીસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી નાખી, ભુસી નાખી કે ચેડાં કરીને વાહન ચલાવવાની પ્રવૃત્તિ પર રોક લગાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’ના સૂત્ર સાથે કડક જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસ કમિશનરના હુકમ મુજબ રાજકોટ શહેરના તમામ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પંપ સંચાલકો તથા કર્મચારીઓને સ્પષ્ટ અને માન્ય નંબર પ્લેટ વગરના કોઈ પણ વાહનમાં ઈંધણ પૂરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ નહીં મળે

રાજકોટ શહેર પોલીસ કમિશનર હદમાં કાર્યરત કોઈ પણ પેટ્રોલ પંપ, ડીઝલ ડિસ્પેન્સિંગ સ્ટેશન અથવા સી.એન.જી. સ્ટેશન દ્વારા એવા કોઈ પણ વાહનને પેટ્રોલ, ડીઝલ કે સી.એન.જી. પુરુ પાડવું નહીં જે વાહનની આગળ તથા પાછળ એમ બંને બાજુએ સ્પષ્ટ, દેખાય અને કાયદેસર માન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલ ન હોય. આ ઉપરાંત રજીસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી નાખેલ, વાળેલ, તુટેલ, ઢાંકેલ, ભુસાયેલ, માટી, કીચડ વગેરેથી મેલી થવાથી અસ્પષ્ટ થયેલ અથવા જેમાં અક્ષર કદ, રંગ કે બનાવટમાં ફેરફાર કરેલ હોય તેવી નંબર પ્લેટ ધરાવતાં વાહનોને પણ આ પ્રતિબંધ લાગુ પડશે. માન્ય કામચલાઉ રજીસ્ટ્રેશન નંબર વાહન પર લગાડેલ હોય તથા નંબર ઓફ ચોઈસ ફ્રી ભરેલ સર્ટીફીકેટ વાહન માલિક પાસે હાજર હોય જેમાં જે તે વાહનનો કામચલાઉ રજીસ્ટ્રર નંબર દર્શાવેલ હોય તેવા વાહનોને, માન્ય ટ્રેડ સર્ટિફિકેટ નંબર દર્શાવતાં નવાં વાહનોને તથા એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટીની સેવાનાં વાહનોને આ પ્રતિબંધની જોગવાઈ લાગુ પડશે નહીં.

રાજકોટ શહેર પોલીસ કમિશનર હદમાં આવેલા તમામ પેટ્રોલ, ડીઝલ અને CNG પંપ સંચાલકો તથા કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આગળ અને પાછળ બંને બાજુએ સ્પષ્ટ દેખાય તેવી કાયદેસર માન્ય રજીસ્ટ્રેશન નંબર પ્લેટ વગરના કોઈપણ વાહનમાં ઈંધણ પૂરવું નહીં.

નિયમોનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી

પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ રાજકોટ શહેરમાં કાર્યરત પેટ્રોલ પંપ, ડીઝલ ડિસ્પેન્સિંગ સ્ટેશન અને CNG સ્ટેશનના સંચાલકો તથા કર્મચારીઓએ આ નિયમનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. નિયમોનો ભંગ કરનારા સામે કાયદેસરની ફરિયાદ અને કાર્યવાહી કરવામાં આવશે. માન્ય કામચલાઉ રજીસ્ટ્રેશન નંબર વાહન પર લગાવેલો હોય અને વાહન માલિક પાસે ‘નંબર ઓફ ચોઈસ’ ફ્રી ભરેલું સર્ટિફિકેટ હાજર હોય, જેમાં સંબંધિત વાહનનો કામચલાઉ રજીસ્ટ્રેશન નંબર દર્શાવેલો હોય તેવા વાહનોને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં.

આ ઉપરાંત માન્ય ટ્રેડ સર્ટિફિકેટ નંબર દર્શાવતાં નવાં વાહનો તેમજ એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટીની સેવામાં ઉપયોગમાં લેવાતા વાહનોને પણ આ જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *