દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, સીજેપીના આશુતોષ રાંકા, સૌરવ દાસની ફરીથી કરી અટકાયત, જાણો શું છે મામલો

કાલે કોંગ્રેસ અને સહયોગી પાર્ટીઓના વિરોધ પ્રદર્શન બાદ આજે વળી પાછી કોકરોચ જનતા પાર્ટી આંદોલનના મૂડમાં જોવા મળી છે. સીજેપીના સૌરવ દાસની દિલ્હી પોલીસે ફરીથી અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ સૌરવ દાસ કેટલાક લોકો સાથે જંતર મંતર પર પહોંચ્યા હતા. સીજેપીએ એક્સ હેન્ડલ પર કરેલા દાવા મુજબ સોરવ દાસની સાથે સાથે સીજેપીના સહસંયોજક આશુતોષ રાંકા, અને અજિંક્ય શિંદેની પણ અટકાયત કરાઈ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌરવ દાસ, આશુતોષ રાંકા સહિત કેટલાક સીજેપીના સમર્થકો જંતર મંતર પાસે જેડીયુ ઓફિસના પરિસર  તરફથી અંદરની બાજુ આવ્યા અને ગેટ પરથી કૂદીને જંતર મંતરની એક બાજુ ગયા હતા. જ્યાંથી દિલ્હી પોલીસે તેમની અટકાયત કરી. આ મામલે દિલ્હી પોલીસ FIR પણ દાખલ કરી શકે છે. આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પણ આ સંદર્ભે શેર કર્યો છે. જેમાં તેઓ ભારત માતા કી જયના નારા પણ લગાવી રહ્યા છે અને જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગણી કરવામાં આવી રહી છે.

અત્રે જણાવવાનું કે જંતર મંતર હવે વિરોધ પ્રદર્શન માટેનું સ્થળ નથી રહ્યું કારણ કે તેને વિરોધ પ્રદર્શન માટેના સ્થળોની યાદીમાંથી બાકાત કરાયું છે અને તેની જગ્યાએ 3 નવા સ્થળો ઉમેરાયા છે. બુરાડી મેદાન, રામલીલા મેદાન અને સીબીડી મેદાન. હવે જો દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવું હોય તો આ 3 સ્થળોએ કરી શકાય.  જંતર મંતર પર નહીં. 

હમણા જ છૂટ્યા હતાં શરતો પર
અત્રે જણાવવાનું કે હજુ તો હમણાં જ 10 ઓક્ટોબરના રોજ સીજેપીના નેતાઓ અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ જંતર મંતર પર પ્રદર્શન પહેલા જ વિમાનમાંથી જ અટકમાં લેવાયા હતા. સુરક્ષા કારણોસર તેમની અટકાયત થઈ હતી. રવિવારે જ્યારે તેમને એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે હાજર કરાયા તો  50 હજાર રૂપિયાના જામીન બોન્ડ ભર્યા બાદ તેમને છોડવામાં આવ્યા હતા.

આ ત્રણેયને એ શરતે છોડવામાં આવ્યા હતા કે તેઓ એક વર્ષ સુધી ‘શાંતિ ભંગ’ કરનારા કોઈ કામ નહીં કરે અને પોતાનો વ્યવહાર સારી રીતે જાળવી રાખશે. દિલ્હી પોલીસે હવે જંતર મંતરને પ્રદર્શન માટેના સ્થળોમાંથી કાઢી નાખ્યું છે. આ આદેશ બાદ સીજેપીના સંસ્થાપક અભિજીત દીપકેએ જંતર મંતરને વિરોધ પ્રદર્શનની યાદીમાંથી હટાવવાના નિર્ણયની ટીકા કરતા કહ્યું હતું કે હવે આખો દેશ જંતર મંતર બનશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *