ભવનાથ તળેટીમાં મહા શિવરાત્રી મેળાનો પ્રારંભ, ધ્વજારોહણ સાથે ધાર્મિક માહોલ

જૂનાગઢમાં ખાતે ભવનાથ તળેટીમાં મહા શિવરાત્રીના પવિત્ર મેળાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢના ભવનાથ તળેટીમાં મહા શિવરાત્રી મેળાના પ્રારંભ પૂર્વે ભરડાવાવથી ભવનાથ મંદિર સુધી ત્રણ કિલોમીટરથી વધુ અંતર સુધી ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને સંતો પગપાળા પહોંચી ધાર્મિક માહોલ સર્જાયો હતો. ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે પાંચ દિવસીય શિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે.

ધ્વજારોહણ બાદ પરંપરા મુજબ વિવિધ અખાડાઓમાં ધ્વજા ચડાવવામાં આવશે અને ત્યારબાદ આશ્રમોમાં પણ ધ્વજારોહણની વિધિઓ યોજાશે. આજથી મેળા વિસ્તારમાં અન્નક્ષેત્રો શરૂ થતા ભક્તો અને સાધુ-સંતોની ભારે અવરજવર જોવા મળશે, તેમજ સાધુઓના ધુણાઓ પણ ચેતન થશે.

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે આ વર્ષે મેળા દરમિયાન ભક્તોને સુવિધા રહે તે માટે વાહન વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તમામ લોકો પગપાળા ભવનાથ સુધી પહોંચી રહ્યા છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ભક્તો સરળતાથી મેળાનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ વખતે શિવરાત્રીના મેળાને રાજ્ય સરકાર દ્વારા “મીની કુંભ” તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે મેળાને વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પ્રાપ્ત થયું છે.

ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનાં પ્રારંભની સાથે જ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. કહેવાય છે કે, ભવનાથ મહાદેવનાં દર્શનથી ભવોભવન સંકટ દૂર થાય છે.

‘અલખનો નાદ’ જગાવ્યો

ધ્વજારોહણ બાદ નાગા સાધુઓએ પોતાના ધુણાઓ ચેતન કરી ‘અલખનો નાદ’ જગાવ્યો હતો, જેના કારણે સમગ્ર ભવનાથ તળેટી શિવમય બની ગઈ હતી. મેળાના પ્રારંભ સાથે જ ભક્તો અને સાધુ-સંતોની અવરજવર વધતી જોવા મળી રહી છે.

આ પ્રસંગે મહાદેવગીરી મહંત, અવધૂત આશ્રમ ભવનાથ દ્વારા પણ મેળાના ધાર્મિક મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. આગામી દિવસોમાં મેળામાં વિવિધ ધાર્મિક વિધિઓ અને કાર્યક્રમો યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *