આજથી સાસણમાં સિંહ દર્શન શરુ, 7 દિવસ વહેલું ખુલ્યું ગીર અભયારણ્ય

ચોમાસાની સીઝન પૂર્ણ થતાં જ કુદરતના ખોળે ખીલી ઊઠેલા ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે નિયત સમય કરતાં સાત દિવસ વહેલું ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ ગીર સફારીની જીપ્સીઓને લીલી ઝંડી આપીને રવાના કરી હતી, જેની સાથે જ ગીરના શાંત જંગલમાં ફરી એકવાર પ્રવાસીઓની ચહલપહલ અને કિલકિલાટ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ જંગલમાં રવાના થઈને સિંહ દર્શન અને સફારીનો અદ્ભુત લાહવો લીધો હતો.

ગીરની આ પ્રથમ સફારીને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં પ્રથમ સ્લોટમાં જ 100થી વધુ પ્રવાસીઓએ ઓનલાઇન બુકિંગ કરાવ્યું હતું. સફારી દરમિયાન સિંહ-સિંહણ અને તેમનાં બચ્ચાંને ખૂબ નજીકથી નિહાળીને પ્રવાસીઓ રોમાંચિત થઈ ઊઠ્યા હતા, જ્યારે લગભગ 10 મિનિટ સુધી સિંહબાળની મસ્તી પણ કેમેરામાં કંડારી હતી.

આ ઉપરાંત પ્રવાસીઓને દીપડા, હરણ અને નીલગાય સહિતનાં અન્ય વન્યજીવોના પણ દીદાર થયા હતા. દ્વારકા અને મોરબીથી આવેલા પ્રવાસીઓએ જંગલ સફારીની ભરપૂર મજા માણી હતી અને વન વિભાગની ઉત્કૃષ્ટ વ્યવસ્થા તેમજ તાલીમબદ્ધ ગાઇડના માર્ગદર્શનથી ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો. ગીરના કુદરતી સૌંદર્ય અને વન્યજીવોને નિહાળવા માટે હાલ પ્રવાસીઓમાં અનોખો ઉત્સાહ છે, જેને ધ્યાને રાખીને 9થી 15 ઓક્ટોબર સુધીની સફારી પરમિટ માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

સાત દિવસ વહેલા ખુલેલા સાસણ-ગીરના ઈકો ટુરિઝમ ઝોનમાં પ્રવાસીઓ નિયત રૂટ પર સફારીની મજા માણી શકશે. વન વિભાગ દ્વારા ગીર સફારી માટે ઓનલાઈન પરમિટ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રવાસીઓ વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ (https://girlion.gujarat.gov.in/) પરથી સરળતાથી પરમિટ બુક કરી શકશે. નોંધનિય છે કે, ચોમાસા સિંહોનો સંવનનકાળ શરૂ થાય છે, તેથી દર વર્ષે સાસણ ગીર અભ્યારણ્યને બંધ રાખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, સિંહ દર્શન માટે મુખ્યત્વે બે જાણીતા સ્થળો ઉપલબ્ધ છે. જેમાં સાસણ સફારી પાર્ક ગીર નેશનલ પાર્કનો મુખ્ય અભયારણ્ય વિસ્તાર છે, જ્યાં ખુલ્લી જીપ દ્વારા ઊંડા જંગલમાં સફારી કરાવવામાં આવે છે. અહીં પ્રાકૃતિક વાતાવરણમાં સિંહોને મુક્તપણે વિચરતા જોવાનો અદ્ભુત અનુભવ મળે છે, જેના માટે અગાઉથી ઓનલાઇન પરમિટ લેવી જરુરી છે.

બીજું સ્થળ દેવળિયા સફારી પાર્ક છે, જે સાસણથી લગભગ 12 કિલોમીટર દૂર આવેલો એક ખાસ સુરક્ષિત વિસ્તાર છે. અહીં નાના ક્ષેત્રમાં સિંહો રાખવામાં આવેલા હોવાથી ખૂબ જ ઓછા સમયમાં સિંહ દર્શન થાય છે. દેવળિયામાં મિની બસ તેમજ જીપ સફારી બંનેના વિકલ્પો ઉપલબ્ધ હોવાથી પરિવાર અને બાળકો સાથે આવતા પ્રવાસીઓ માટે તે ઉત્તમ માનવામાં આવે છે. ચોમાસા બાદ સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ વચ્ચે સિંહોનું નિરીક્ષણ કરવા માટે હાલ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સિંહની કેટલીક ખાસિયતો

  • સિંહનું સરેરાશ આયુષ્ય લગભગ 10 થી 15 વર્ષ જેટલું હોય છે. સિંહો 25 વર્ષ સુધી જીવી શકે છે, પરંતુ તેઓ કુદરતી રીતે આ ઉંમરે પહોંચતા નથી.
  • સિંહો 32 ફૂટ સુધી કૂદી શકે છે અને 12 ફૂટ ઊંચે કૂદી શકે છે.
  • એશિયાટીક સિંહો ભારતમાં માત્ર ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં જોવા મળે છે.
  • સિંહો લગભગ 80 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
  • સિંહની ગર્જના 8 કિમી દૂર સુધી સંભળાય છે. સિંહની ગર્જનાનો અવાજ એટલો મોટો છે કે તે લગભગ 1 મીટરના અંતરે 114 ડેસિબલ સુધી પહોંચી શકે છે.
  • સિંહોની આંખોમાં પ્રકાશ ખૂબ જ મજબૂત હોય છે, તેઓ અંધારામાં પણ મનુષ્ય કરતાં 6 ગણી સારી રીતે જોઈ શકે છે.
  • સિંહો દિવસના 24 કલાકમાંથી 18 કલાક જેટલો સમય ઊંઘવામાં વિતાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *