નવરાત્રિમાં S.G હાઈવે પર ટ્રાફિક નહીં થાય! શનિવારથી આ રસ્તો ખુલ્લો મુકાશે, 56 ગરબાના સ્થળોને ધ્યાને રાખી તંત્રની તૈયારી

અમદાવાદમાં આસો નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને એસ.જી. હાઈવે પર વાહનોની અવરજવર અને ટ્રાફિક વ્યવસ્થા સરળ બનાવવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇસ્કોનથી સાણંદ બ્રિજ નીચેના રસ્તાનું કામ હવે પૂર્ણતાના આરે પહોંચ્યું છે, જેનાથી તહેવારોના દિવસોમાં વાહનચાલકોને મોટી રાહત મળશે.

નવરાત્રી દરમિયાન રાત્રિના સમયે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસે વિશેષ એક્શન પ્લાન બનાવ્યો છે. જે અંતર્ગત મુખ્ય ચાર રસ્તાઓ અને ભીડભાડ વાળા પોઈન્ટ્સ પર ૨ હજારથી વધુ ટ્રાફિક જવાનો અને પોલીસ સ્ટાફને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવરાત્રી ટાણે અંદાજે દોઢ લાખ વાહનચાલકોને મળશે મોટી રાહત
મળતા સમાચાર પ્રમાણે, ઝડપી કામગીરી પૂર્ણ કરીને કર્ણાવતી-YMCA રોડ આગામી શનિવારે વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલી બ્રિજની આ અત્યંત મહત્વપૂર્ણ કામગીરી પૂરી થવાથી દૈનિક ધોરણે પસાર થતા અંદાજે દોઢ લાખ જેટલા વાહનચાલકોને ભારે ટ્રાફિકમાંથી કાયમી મુક્તિ મળશે.YMCA અને કર્ણાવતી ક્લબ પાસે હાલ ચાલતું ડાયવર્જન બંધ કરીને નવો તૈયાર થયેલો રસ્તો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે ટ્રાફિક પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટોરન્ટ પાવર જેવા વિભાગોના અધિકારીઓએ સ્થળ પર સંયુક્ત વિઝિટ કરી હતી અને કામગીરી ઝડપથી આટોપી લેવા માટે જરૂરી આદેશો આપ્યા હતા.

સિંધુભવન, બોપલ અને શીલજ વિસ્તારમાં 56 સ્થળોએ ગરબાના આયોજન
એસ.જી. હાઈવેની આસપાસ આવેલા સિંધુભવન રોડ, બોપલ અને શીલજ વિસ્તારમાં આ વર્ષે કુલ 56 સ્થળોએ ગરબાના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. ગરબા રસિકો અને વાહનોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને આ રસ્તો ખુલ્લો મુકાવાથી વાહનવ્યવહાર સરળતાથી ચાલતો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *