આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, …તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે

વિધેયકના વિરોધમાં વકીલોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે, કારણ કે સરકાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ લેખિત ખાતરી મળી નથી. કાયદામંત્રીએ 10 દિવસમાં ત્રુટિઓ નિવારવાની હૈયાધારણા આપી હોવા છતાં યોગ્ય ઉકેલ ન આવતા વકીલોએ આજથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું છે. વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આજે સિટી સિવિલ કોર્ટથી વકીલો દ્વારા એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ આ જ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની પણ એક અગત્યની બેઠક યોજાનાર છે.

ગુજરાત ભાડા વિધેયક વર્ષ 2026ના વિરોધમાં રાજ્યમાં ચાલતા વકીલોના આંદોલનમાં આજથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરાયું છે. રવિવારે રાજ્યના કાયદા મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સહિતના હોદ્દેદારો સાથે એક તાકિદની વર્ચ્યુઅલ બેઠક યોજી હૈયાધારણા પણ આપી. કાયદા મંત્રીએ બાર કાઉન્સીલના હોદ્દેદારોને કહ્યું કે સરકાર નવા ભાડા વિધેયકમાં જે કોઈ ત્રુટિઓ રહી ગઈ હશે તેના નિવારણ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરશે અને આગામી 10 દિવસમાં તેનું નિરાકરણ લવાશે.

આ સાથે વકીલ આલમને હડતાળ સમેટી લેવા પણ અનુરોધ કર્યો.. જોકે સાંજ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે ખાતરી નહીં આવતા આજથી વકીલોએ અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું. આ તરફ ભાડા વિધેયકના વિરોધમાં વકીલોએ અગાઉ પણ બાઈક રેલીનું આયોજન કર્યું હતું. જોકે પોલીસ તરફથી મંજૂરી મળી ન હતી. ત્યારે હવે આજે વિશાળ બાઈક રેલીનું આયોજન કરાયું છે. જેમાં સેંકડો વકીલો બાઈક રેલીમાં જોડાઈ તેવી શક્યતા છે.

વકીલોની આ વિશાળ બાઈક રેલી સવારે 11 વાગ્યે સિટી સિવિલ કોર્ટ ભદ્રથી નીકળી ઘી કાંટા સ્થિત મેટ્રો કોર્ટ જશે અને ત્યાંથી ઈન્કમટેક્સ જૂની હાઈકોર્ટ ખાતે ગ્રામ્ય કોર્ટ પહોંચશે. ત્યારબાદ સીધા ઈન્કમટેક્સ ચાર રસ્તા પાસે ગાંધીજીની પ્રતિમા પાસે પહોંચીને બાઈક રેલી જાહેરસભામાં ફેરવાશે. આ તરફથ ગુજરાત બાર કાઉન્સીલે વકીલોની હડતાળને સમર્થન જાહેર કર્યું છે. ત્યારે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને પણ સવારે તાકિદની એક બેઠક બોલાવી છે. જો હાઈકોર્ટ એડવોકેટ એસો. પણ વકીલોની હડતાળને સમર્થન જાહેર કરશે તો સ્થિતિ વણસવાની શક્યતા છે.. કારણ કે ત્યારબાદ ગુજરાત સહિત રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે.

વકીલો ગુજરાત ભાડા વિધેયક વર્ષ 2026ના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. તેમને સરકાર તરફથી કોઈ લેખિત ખાતરી મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *