KL Rahul: કેએલ રાહુલે ફગાવી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ, આ ગુજરાતી બની શકે છે કેપ્ટન

દિલ્હી કેપિટલ્સના નવા કેપ્ટન અંગે એક મોટી અપડેટ સામે આવ્યું છે. દિલ્હી એકમાત્ર એવી ટીમ છે જેણે અત્યાર સુધી પોતાના કેપ્ટનની જાહેરાત કરાઇ નથી. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે કેએલ રાહુલ અથવા અક્ષર પટેલમાંથી કોઈ એકને દિલ્હી ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. હવે એક મીડિયા રિપોર્ટ અનુસાર, ઓલરાઉન્ડર અક્ષર પટેલ IPL 2025માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે. પટેલે કેટલીક IPL મેચોમાં કેપ્ટનશીપ કરી છે, પરંતુ આખી સીઝન દરમિયાન તેણે ક્યારેય કોઈ ટીમનું નેતૃત્વ કર્યું નથી.
કેએલ રાહુલને આઈપીએલમાં બે ટીમોની કેપ્ટનશીપ કરવાનો અનુભવ છે. તેણે 2020 અને 2021માં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ બંને સીઝનમાં પંજાબને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો. 2022-2024 સુધી તેણે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ની જવાબદારી સંભાળી અને ટીમને બે વાર પ્લેઓફમાં પણ પહોંચાડી હતી.
અક્ષર પટેલ હાલમાં ભારતની T20 ટીમનો વાઇસ કેપ્ટન પણ છે. તે IPL 2024માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરતો જોવા મળ્યો હતો. ગયા સીઝનમાં જ્યારે ઋષભ પંતને સ્લો-ઓવર રેટના કારણે મેચોમાંથી પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો ત્યારે તે દિલ્હીનો કેપ્ટન બન્યો હતો. અક્ષરે તેની 150 મેચની IPL કારકિર્દીમાં અત્યાર સુધીમાં 1653 રન ફટકાર્યા હતા અને 123 વિકેટ ઝડપી હતી.