બસ હવે થોડાં જ દિવસો બાકી! પછી ચોમાસું આવ્યું સમજો, IMDએ આપ્યાં ગુડ ન્યૂઝ

હવામાન વિભાગ મુજબ, ચોમાસું દક્ષિણ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર, બંગાળની ખાડીના કેટલાક ભાગો અને આંદામાન સમુદ્ર સુધી આગળ વધી ચૂક્યું છે. આગામી 3થી 4 દિવસ દરમિયાન તેની વધુ પ્રગતિ માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. જેના કારણે કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તરપૂર્વના રાજ્યોમાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે.

આ તરફ ઉત્તર અને મધ્ય ભારત હાલ ગરમીના ત્રાસથી ઝઝૂમી રહ્યું છે. દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના બ્રહ્મપુરીમાં સૌથી વધુ 47.1 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ગરમીથી અકળાઈ ગયા છે. આગામી દિવસોમાં પણ તાપમાનમાં ખાસ ઘટાડો ન થાય તેવી શક્યતા છે.

દિલ્હી-એનસીઆરમાં થોડાક સમય માટે ધૂળની આંધી અને હળવા વરસાદથી રાહત મળી હતી, પરંતુ હવે ફરી ગરમીનો પ્રકોપ વધશે તેવી શક્યતા છે. હવામાન વિભાગે 24થી 28 મે દરમિયાન દિલ્હીમાં ફરી હીટવેવની ચેતવણી જાહેર કરી છે. રાત્રિના તાપમાનમાં પણ વધારો થવાથી લોકોને ભેજ અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે.

પૂર્વીય રાજ્યોમાં પણ હવામાન અસ્થિર બનતું જાય છે. બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 50થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ વીજળી પડવાની શક્યતા હોવાને કારણે લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *