2035 સુધીમાં ઇસ્લામ વિશ્વનો સૌથી મોટો ધર્મ બની જશે:દુનિયાની વસતિમાં મુસ્લિમોની સંખ્યા ઝડપથી વધશે

વૈશ્વિક સ્તરે ધાર્મિક વસતિમાં થઈ રહેલા ફેરફારોને લઈને અમેરિકાના પ્યૂ રિસર્ચ સેન્ટરનો એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ, વર્ષ 2010માં દુનિયાની કુલ વસતિ આશરે 6.9 અબજ હતી, જે 2050 સુધીમાં વધીને 9.3 અબજ સુધી પહોંચી શકે છે.

આ જ દરમિયાન મુસ્લિમ વસતિમાં સૌથી ઝડપી વૃદ્ધિ થવાનું અનુમાન છે. રિપોર્ટ મુજબ, 2010ની સરખામણીમાં 2050 સુધીમાં મુસ્લિમ વસતિ આશરે 73 ટકા વધી શકે છે. એટલે કે 2010માં દુનિયામાં મુસ્લિમોની વસતિ આશરે 1.6 અબજ હતી, જે 2050 સુધીમાં વધીને લગભગ 2.76 અબજ થઈ જશે.

જ્યારે, 2020 થી 2050ની વચ્ચે ભારતમાં હિન્દુઓની વસતિ 17.6 કરોડ વધી જશે. જોકે, દેશની કુલ વસતિમાં હિન્દુઓનું પ્રમાણ ઘટવાનું અનુમાન છે. તેનું કારણ મુસ્લિમોનો વધુ પ્રજનન દર છે. જોકે, આમ છતાં 2070 સુધી હિન્દુઓ ભારતની કુલ વસતિના ત્રણ-ચતુર્થાંશ કરતાં વધુ જળવાઈ રહેશે.

પ્યૂ રિસર્ચ સેન્ટર મુજબ, છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતના કુલ પ્રજનન દરમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. આમ છતાં મુસ્લિમ મહિલાઓના સરેરાશ બાળકોની સંખ્યા હિન્દુ મહિલાઓ કરતાં વધુ છે.

વધુમાં, ભારતમાં મુસ્લિમ વસતિ પ્રમાણમાં યુવાન છે. આ બંને કારણોસર આવનારા દાયકાઓમાં દેશની વસતિમાં મુસ્લિમોનું પ્રમાણ વધવાનું અને હિન્દુઓનો હિસ્સો થોડો ઘટવાનો અંદાજ છે.પ્યૂ રિપોર્ટમાં એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે, 2035 સુધીમાં ઈસ્લામ દુનિયાનો સૌથી મોટો ધર્મ બની શકે છે. હાલમાં દુનિયામાં 2.27 અબજ ખ્રિસ્તી અને 2.02 અબજ મુસ્લિમ છે. અનુમાન છે કે, 2035 સુધીમાં મુસ્લિમ વસતિ વધીને 2.57 અબજ અને ખ્રિસ્તી વસતિ 2.52 અબજ થઈ જશે.

રિપોર્ટ અનુસાર, મુસ્લિમ મહિલાઓનો પ્રજનન દર સૌથી વધુ છે. 2020થી 2025ની વચ્ચે મુસ્લિમ મહિલાઓમાં પ્રતિ મહિલા સરેરાશ 3.1 બાળકો જન્મ્યા, જ્યારે ખ્રિસ્તી મહિલાઓમાં આ આંકડો 2.5 અને અન્ય ધર્મોમાં 1.6 રહ્યો.

Pewના અનુમાન મુજબ, 2070 સુધીમાં દુનિયામાં મુસ્લિમોની વસતિ 3.6 અબજથી વધુ થઈ શકે છે. જ્યારે, ખ્રિસ્તીઓની સંખ્યા 3 અબજથી ઓછી રહેવાનું અનુમાન છે.

અમેરિકામાં પણ હિન્દુઓની વસતિ બમણા કરતાં વધુ થવાનું અનુમાન છે. 2020માં અહીં આશરે 40 લાખ હિન્દુ હતા, જેમની સંખ્યા 2070 સુધીમાં વધીને 90 લાખ થઈ શકે છે. પ્રદેશની કુલ વસતિમાં હિન્દુઓનો હિસ્સો 1 ટકાથી વધીને 2 ટકા થવાનો અંદાજ છે.

જ્યારે, આફ્રિકા અને લેટિન અમેરિકા તથા કેરેબિયન એવા ક્ષેત્રો હશે, જ્યાં હિન્દુઓની કુલ સંખ્યામાં ઘટાડો આવવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *