ઈરાને ફરી બંધ કર્યું ‘હોર્મુઝ સ્ટ્રેટ’, અમેરિકા-ઈઝરાયેલ પર લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ

મિડલ ઈસ્ટમાં તંગદિલી ફરી ચરમસીમાએ પહોંચી છે. વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરાર છતાં, લેબનોનમાં ઈઝરાયેલના સતત હુમલાઓ ચાલુ રહેતાં ઈરાને મોટું પગલું ભર્યું છે. ઈરાને ગુસ્સામાં આવીને શનિવારે વેપાર માટે અત્યંત મહત્વની ગણાતી ‘હોર્મુઝ સામુદ્રધુની’ (Strait of Hormuz) જહાજોની અવરજવર માટે બંધ કરી દીધી છે. ઈરાને આ કાર્યવાહીને દુશ્મનનો ‘વિશ્વાસઘાત’ અને યુદ્ધવિરામનું સતત ઉલ્લંઘન ગણાવ્યું છે. આ દરમિયાન લેબનોનમાં થયેલા હુમલાઓમાં 16 લોકોના મોત નીપજ્યા છે.

ઈરાનની ન્યૂઝ એજન્સી ‘ફાર્સ’ના અહેવાલ મુજબ, ઈરાનના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે જણાવ્યું છે કે અમેરિકા અને ઈઝરાયેલ યુદ્ધવિરામની શરતોનું પાલન કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે.

દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલી દળો દ્વારા સતત હુમલાઓ થઈ રહ્યા છે, જેમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે અને તેઓ બેઘર બની રહ્યા છે.

આ ક્રૂરતાના વિરોધમાં અને ઈઝરાયેલી સેના દક્ષિણ લેબનોનમાંથી પાછળ હટવા તૈયાર ન હોવાથી ઈરાને સામુદ્રધુની બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ઈરાને સ્પષ્ટ ચીમકી આપી છે કે આ તો માત્ર પહેલો જવાબ છે; જો ઈઝરાયેલ પોતાની હરકતો બંધ નહીં કરે, તો દુશ્મનને દબાણમાં લાવવા માટે આગામી સમયમાં વધુ આકરા પગલાં લેવામાં આવશે.

બીજી તરફ, ઈઝરાયેલની સેના (IDF) એ પણ પોતાનો બચાવ કરતા વળતો પ્રહાર કર્યો છે. ઈઝરાયેલની વાયુસેનાના જણાવ્યા અનુસાર, આતંકી સંગઠન હિઝબુલ્લાહે દક્ષિણ લેબનોનમાં તેમના સૈનિકો પર 50 થી વધુ હુમલા કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.

ઈઝરાયેલે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના નાગરિકો અને સૈનિકોને નુકસાન પહોંચાડવા દેશે નહીં. રક્ષણના ભાગરૂપે તેમણે રાતોરાત વળતો પ્રહાર કર્યો હતો.

ઈઝરાયેલી વાયુસેનાએ હિઝબુલ્લાહના રોકેટ લોન્ચિંગ પેડ્સ, હથિયારોના ગોદામો અને કમાન્ડ સેન્ટરો સહિત ડઝનબંધ આતંકી માળખાઓને નિશાન બનાવીને નષ્ટ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *