મોંઘવારીનો માર! રસોડાનું બજેટ સંપૂર્ણ ખોરવાયું: આદુ ₹300 તો લસણ ₹240! શાકભાજીથી લઈને તેલ-ખાંડના ભાવ આસમાને

મોંઘવારીએ હવે સામાન્ય માણસની કમર તોડી નાખી છે. રસોડામાં વપરાતી લગભગ દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચી ગયા છે. ખાંડથી લઈને ડુંગળી… શાકભાજીથી લઈને ખાદ્યતેલ સુધી… દરેક વસ્તુ મોંઘી બનતાં ગૃહિણીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. સવાલ એ છે કે… વધતી મોંઘવારી પર બ્રેક ક્યારે લાગશે?… જોઈએ આ ખાસ અહેવાલ…
રસોડાની મીઠાશ વધારતી ખાંડ… ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી… રોજિંદા ભોજનનો આધાર એવા શાકભાજી… અને રસોડાની શાન ગણાતું ખાદ્યતેલ… ચારેય વસ્તુઓના ભાવમાં એવો ભડકો થયો છે કે હવે રસોડું ચલાવવું સામાન્ય પરિવાર માટે મોટો પડકાર બની ગયો છે.લીલા શાકભાજીના ભાવ તો જાણે આગ પકડી બેઠા હોય તેવું દૃશ્ય છે. ફ્લાવર 120 રૂપિયા પ્રતિ કિલો… ગવાર અને ફણસી પણ 120 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. આદુનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે તો લસણ 240 રૂપિયે કિલો વેચાઈ રહ્યું છે. લીંબુ પણ 80 રૂપિયાને પાર પહોંચી જતાં સામાન્ય ગ્રાહકોને ખરીદી કરતાં પહેલાં અનેક વખત વિચારવું પડી રહ્યું છે.
શાકભાજીના શું ભાવ?
ફ્લાવર 120 રૂપિયા પ્રતિ કિલો
ગવાર-ફણસી 120 રૂપિયે કિલો
આદુનો ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો
લસણનો ભાવ 240 રૂપિયે પ્રતિ કિલો
મધ્યમવર્ગ અને ગરીબ પરિવારો માટે ઘર ચલાવવું મુશ્કેલ
ડુંગળી પહેલેથી જ મોંઘી હતી… હવે તેની સાથે લગભગ તમામ શાકભાજીના ભાવમાં વધારો થતાં લોકો સામે સૌથી મોટો સવાલ ઉભો થયો છે કે આખરે હવે ખાવું શું? રોજિંદી ખરીદીમાં હવે થેલી નહીં… પણ ખિસ્સો ખાલી થઈ રહ્યો છે. મધ્યમવર્ગ અને ગરીબ પરિવારો માટે ઘર ચલાવવું દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યું છે.
વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં આવક ઘટી હોવાથી ભાવમાં વધારો થયો છે. બીજી તરફ ગૃહિણીઓનું કહેવું છે કે વધતી મોંઘવારીએ ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે. રસોડાના ખર્ચમાં સતત વધારો થતાં અન્ય જરૂરી ખર્ચ પર પણ કાપ મૂકવાનો વારો આવ્યો છે.શાકભાજી હોય કે ડુંગળી… ખાંડ હોય કે ખાદ્યતેલ… દરેક વસ્તુના વધતા ભાવે સામાન્ય માણસને મુશ્કેલીમાં મૂકી દીધો છે. હવે લોકોની એક જ માંગ છે કે સરકાર બજારમાં દરમિયાનગીરી કરીને ભાવને નિયંત્રણમાં લાવે અને સામાન્ય જનતાને મોંઘવારીના મારમાંથી રાહત અપાવે. કારણ કે જો ભાવની આ આગ આવી જ રીતે ભડકતી રહેશે… તો સૌથી વધુ દાઝશે સામાન્ય માણસનું રસોડું.