ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સાર્વત્રિક વરસાદના પગલે જળાશયોના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના કુલ 206 જળાશયોમાં અત્યાર સુધીમાં તેમની કુલ ક્ષમતાના 49.19 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે. આ પૈકી 15 ડેમ 100 ટકાથી વધુ ભરાઈને સંપૂર્ણપણે છલકાઈ ગયા છે. આ ઉપરાંત 26 ડેમ 70થી 100 ટકા, 31 ડેમ 50થી 70 ટકા અને 52 ડેમ 25થી 50 ટકા સુધી ભરાયા છે, જ્યારે 82 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી છે. જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 74.46 ટકા જળસંગ્રહ નોંધાયો છે. પાણીની વધતી આવકને પગલે રાજ્યના 22 ડેમ હાઈ એલર્ટ પર, 8 ડેમ એલર્ટ પર અને 11 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.

બીજી તરફ, માર્ગ વાહનવ્યવહાર પર ભારે વરસાદની વ્યાપક અસર પડી છે. રાજ્યભરમાં કુલ 720 રોડ-રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે. જેમાં 3 નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે, 26 અન્ય માર્ગો અને પંચાયત હસ્તકના 673 રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં સુરક્ષાના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે.

જિલ્લાવાર સ્થિતિની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ માર્ગો પ્રભાવિત થયા છે. સુરતના 171, નવસારીના 166, વલસાડના 160 અને તાપીના 67 રોડ પર વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તારોમાં પણ અમદાવાદના 23, ખેડાના 13, આણંદના 3, વડોદરાના 11, છોટાઉદેપુરના 30 અને સુરેન્દ્રનગરના 15 માર્ગો બંધ થતાં વાહનચાલકો તથા સ્થાનિક પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજ્યમાં મેઘરાજા ફરી એકવાર સક્રિય થયા છે, જેના પગલે આજથી આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને મેઘરાજા ધમરોળશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે સવારથી જ રાજકોટ, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી કલાકોમાં આ જિલ્લાઓમાં વરસાદની તીવ્રતામાં વધુ વધારો થવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ બપોર પછી વરસાદી એક્ટિવિટી જોર પકડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *