અમદાવાદના વાડજમાં ખાખીનો ખોફ ગાયબ: તસ્કરો બેફામ, 6 મહિનામાં એક જ મકાનમાં ત્રીજી વાર ચોરી!

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજમાં તસ્કરો અને અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વકરી રહ્યો છે. એક તરફ પોલીસ તંત્ર દ્વારા રાત્રિ પેટ્રોલીંગના મોટા-મોટા દાવો કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ તસ્કરો ખાખીના ખોફ વગર બેફામ બનીને ચોરી અને લૂંટ જેવા ગુનાઓને અંજામ આપી રહ્યા છે. વાડજ વિસ્તારમાં એક પછી એક બનતી ચોરી અને ચેન સ્નેચિંગની ઘટનાઓને કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે ફાફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

તસ્કરોની હિંમત એટલી વધી ગઈ છે કે તેમણે વિસ્તારના એક નવનિર્મિત મકાનને સતત નિશાન બનાવ્યું છે. આ મકાનમાં છેલ્લા છ મહિનાના ટૂંકા ગાળામાં તસ્કરોએ એક કે બે વાર નહીં, પરંતુ સતત ત્રીજી વખત ચોરી આચરીને પોલીસના દવાનો છેદ ઉડાડી દીધો છે. આ ઉપરાંત, ભરચક વિસ્તારમાં રિક્ષામાં આવેલા અજાણ્યા શખ્સે નજર ચૂકવીને એક નાગરિકનો મોબાઈલ ફોન આંચકી પલાયન થઈ જવાની ઘટના પણ સામે આવી છે.

તાજેતરમાં બનેલા મુખ્ય ક્રાઈમ બનાવો

શિવમ એપાર્ટમેન્ટમાંથી તસ્કરો ₹1.50 લાખની કિંમતના બાઇકની ચોરી કરી ગયા. ભીમજીપુરા સ્થિત આવેલ એક પ્રખ્યાત ટ્રેડર્સની દુકાનને નિશાન બનાવી ચોરી આચરવામાં આવી. વસાર હોસ્ટેલ નજીકથી એક મહિલાના ગળામાંથી દિનદહાડે ચેન આંચકી સ્નેચર ફરાર થઈ જતાં ચકચાર મચી.આ સતત બનતી ઘટનાઓને પગલે સ્થાનિક રહીશો અને વેપારીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે વાડજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવતું નાઇટ પેટ્રોલીંગ માત્ર સરકારી કાગળ પર જ સીમિત રહી ગયું છે. વાસ્તવિકતામાં પોઈન્ટ્સ પર પોલીસની હાજરી જણાતી નથી, જેના કારણે ગુનેગારોને મોકળું મેદાન મળી ગયું છે.

ગુનેગારો પોલીસ પકડથી દૂર મુક્તપણે ફરી રહ્યા છે ત્યારે હવે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, “શું વાડજ પોલીસ કોઈ મોટી અનિચ્છનીય ઘટના કે હોનારતની રાહ જોઈ રહી છે?” વેપારીઓ અને રહીશોએ માંગ કરી છે કે તસ્કરોને તાત્કાલિક જેલ ભેગા કરવામાં આવે અને વિસ્તારમાં રાત્રિ પેટ્રોલીંગ અત્યંત સઘન બનાવવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *