ભવ્ય વિજય બદલ પીએમ મોદીને અભિનંદન પાઠવું છું’ CM ભૂપેન્દ્ર પટેલે બંગાળ વિજયને વધાવ્યો

આજે 5 રાજ્યોના ચુંટણી પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે 3 રાજ્યો- બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપ લીડ મેળવીને આગળ વધી રહ્યું છે. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આને પીએમ નરેન્દ્ર મોદની જીત ગણાવી છે.

ત્રણ રાજ્યોમાં ભાજપની જીતને લઈને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખજગદીશ વિશ્વકર્માએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે જનતાના આશીર્વાદ સાથે પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. જે પક્ષ માટે ગૌરવની બાબત છે. તેમના જણાવ્યા અનુસાર બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપનો વિજય થયો છે. જે જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ છે. સાથે જ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં મળેલી જીતને પણ તેમણે મહત્વપૂર્ણ ગણાવી અને કાર્યકરોને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે આ જીત ખરેખર બંગાળની જનતાનો વિજય છે જેમણે વિકાસ અને સકારાત્મક રાજકારણને પસંદ કર્યું છે.

વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે ભાજપ હંમેશા નારી શક્તિના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ રહી છે અને પશ્ચિમ બંગાળમાં મળેલો વિજય પણ એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે ઉમેર્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ ‘વંદે માતરમ’ ગીતને પૂર્ણ સ્વરૂપે માન અપાવવા માટે જે પહેલ કરી હતી, તે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવને મજબૂત બનાવે છે. અંતમાં તેમણે જણાવ્યું કે આ જીત પીએમ મોદીના નેતૃત્વ પર જનતાએ મૂકેલા વિશ્વાસ અને આશીર્વાદનું પરિણામ છે, જે ભાજપને આગળ વધવા માટે નવી શક્તિ આપે છે.

ત્રણ રાજ્યોમાં ભાજપની જીતને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલલે મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે આજે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે અને દેશભરની નજર ખાસ કરીને પશ્ચિમ બંગાળના પરિણામો પર કેન્દ્રિત રહી હતી. આ ભવ્ય વિજય બદલ તેમણે પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે એક પછી એક રાજ્ય પ્રધાનમંત્રી મોદીના વિકાસ અને સકારાત્મક રાજકારણ સાથે જોડાઈ રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકસિત ભારતનો સંકલ્પ હવે વધુ મજબૂત બની આગળ વધી રહ્યો છે.મુખ્યમંત્રીએ ચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓની મહેનતને વખાણી અને કહ્યું કે ભાજપ માટે કાર્યકર જ સાચી તાકાત છે. તેમણે ઉમેર્યું કે ભાજપ કાર્યકરો હારથી શીખીને વધુ મજબૂત બની આગળ વધે છે. જે પક્ષની સૌથી મોટી શક્તિ છે. પાંચેય રાજ્યોમાં કાર્યકરો દ્વારા કરવામાં આવેલું કાર્ય સરાહનીય છે અને તે જ જીતનું મુખ્ય કારણ છે. ઉપરાંત, ઉમરેઠ પેટા ચૂંટણીમાં મળેલી જીત બદલ પણ તેમણે કાર્યકરોને અભિનંદન પાઠવ્યા અને આ સફળતાને ભાજપની સતત પ્રગતિનું પ્રતિક ગણાવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *