અમદાવાદમાં 4 વર્ષના બાળકમાં જોવા મળ્યો HMPV વાયરસ, વધુ એક કેસ નોંધાતા રાજ્યમાં હડકંપ

અમદાવાદની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ 4 વર્ષના બાળકમાં હ્યૂમન મેટાપ્યૂમૉવાયરસ (HMPV) ચેપની પુષ્ટિ થઈ છે. છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં HMPVનો આ પાંચમો કેસ છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 6 કેસ નોંધાયા છે.
અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પૉરેશનના આરોગ્ય અધિકારી ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે 4 વર્ષના બાળકમાં HMPV ચેપની પુષ્ટિ થઈ છે. આ બાળક અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારનો રહેવાસી છે અને તેને 13 જાન્યુઆરીએ ખાંસી, શરદી અને તાવની ફરિયાદ સાથે ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે તે જ દિવસે હૉસ્પિટલમાં લેવામાં આવેલા પરીક્ષણોમાં બાળક HMPV ચેપથી પીડાતું હોવાનું જાણવા મળ્યું.
રાજ્યમાં અત્યાર સુધીમાં HMPV ના કુલ 6 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદના ચાર, સાબરકાંઠા જિલ્લામાંથી એક અને કચ્છ જિલ્લામાંથી એક કેસનો સમાવેશ થાય છે. આ સિઝનમાં અમદાવાદમાં HMPVનો પહેલો કેસ 6 જાન્યુઆરીએ નોંધાયો હતો. ચીનમાં ફાટી નીકળ્યા પછી આ રોગ ચર્ચામાં આવ્યો. ભારતમાં HMPV વાયરસના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. ચીનમાં ઉદ્ભવેલા આ વાયરસની ઝપેટમાં હવે ઘણા પડોશી દેશો પણ આવી ગયા છે.