ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 3 જુન સુધી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં પરિવર્તનના સંકેતો જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો દરમિયાન ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દેશના ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ગરમીની અસર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સવારના સમયે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જ્યારે બપોર બાદ ગરમ પવનનો પ્રભાવ યથાવત રહે છે. જોકે હવે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદી પ્રવૃત્તિઓ સક્રિય બનવાની શક્યતા છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 30 મેથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી સહિત પૂર્વ ગુજરાતના પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ઉપરાંત ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.

31 મેના રોજ ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વધુ મજબૂત બનશે. સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

1 જૂનના રોજ ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં અનેક સ્થળોએ વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોના મતે આ વરસાદી પ્રવૃત્તિઓના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે લોકોને ઉનાળાની તીવ્ર ગરમીમાંથી નોંધપાત્ર રાહત મળશે. જોકે, વરસાદ સાથે પવન અને વીજળીની સંભાવના હોવાથી લોકોને સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *