ગુજરાતમાં કાલથી ધમધોકાર; 30 મેથી 4 જૂન સુધી આ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં મોટો પલટો આવવાની સંભાવના છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સામાન્યથી ભારે વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 30 મે થી 4 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામશે. આ દરમિયાન પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.
30 મે: ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદની શરૂઆત
હવામાન વિભાગની આગાહી મુજબ, 30 તારીખથી જ વાતાવરણ પલટાશે. આ દિવસે ખાસ કરીને ગીરસોમનાથ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
31 મે: મધ્ય ગુજરાત સુધી વરસાદનો વ્યાપ વધશે
31 મેના રોજ ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મેઘરાજાની એન્ટ્રી થશે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણા, ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લામાં તીવ્ર પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.
1 જૂન: અમદાવાદ-ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતમાં એલર્ટ
પહેલી જૂનથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા અને તાપી સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે.
2 થી 4 જૂન: આ જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા
જૂન મહિનાની શરૂઆતના ત્રણ દિવસો રાજ્યના કેટલાક ભાગો માટે ભારે સાબિત થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા અને પાટણ જિલ્લામાં આ દિવસો દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની આશંકા સેવાઈ રહી છે.
આ વર્ષે કેવું રહેશે ચોમાસું?
હવામાન વિભાગ દ્વારા ચોમાસાના એકંદર ચિત્રને લઈને પણ મહત્વના સંકેતો આપવામાં આવ્યા છે. દેશમાં ચાલુ વર્ષે સમગ્ર દેશમાં સરેરાશ 90 ટકા વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. દેશની સરખામણીએ ગુજરાતમાં આ વર્ષે ચોમાસું થોડું નબળું રહી શકે છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, ચાલુ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. આગામી દિવસોમાં વાવાઝોડા અને ભારે પવનની સ્થિતિને જોતા ખેડૂતોને પાક સુરક્ષિત કરવા અને નાગરિકોને વીજળીના કડાકા વખતે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.