બનાસકાંઠામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી જળબંબાકાર, પાલનપુરના રસ્તા બન્યા જળમગ્ન

બનાસકાંઠાના પાલનપુર અને અમીરગઢ પંથકમાં મોડીરાતથી વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર તાલુકામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો. પાલનપુરના વડગામ ગઢ, ચડોતર, માલણ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે. જ્યારે અમીરગઢ તાલુકામાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો હતો. અમીરગઢના વિરમપુર, ઢોલીયા, મહાદેવીયા, બાલુન્દ્રા, વેરા, ઘાટા, કપાસિયા અને સોનવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
વહેલી સવાર સુધી વરસેલા વરસાદના કારણે પાલનપુર શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયાં હતાં. ITIથી વડગામને જોડતા માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાલનપુરના જૂના બસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ગયું હતું. બસ સ્ટેશનમાં અંદાજે બે ફૂટ જેટલું પાણી ભરાતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા મુસાફરો પણ પાણી ભરાવાના કારણે અટવાયા હતા.
જો કે લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી ખાસ કરીને કપાસ, મગફળી, સોયાબીન અને મકાઈ સહિતના પાકને ફાયદો થવાની આશા છે.
આ તરફ હવામાન વિભાગે પણ વરસાદને લઈને નાઉકાસ્ટ જાહેર કરીને વિવિધ વિસ્તારો માટે એલર્ટ આપ્યા છે. સવારે 10 વાગ્યા સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે આગામી કલાકોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ભારે પવન અને વરસાદની આગાહી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે