અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકાર, અંડરપાસ અને BRTS રૂટ બંધ, વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા

અમદાવાદમાં સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ પડ્યો છે, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. રસ્તાઓ પર ટ્રાફિક જામ થયો છે.
અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. સવારે સાતથી નવ વાગ્યા સુધીમાં સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. સરખેજ અને નવરંગપુરામાં ચાર-ચાર ઈંચ વરસાદ પડ્યો છે. શહેરમાં ભારે વરસાદને કારણે અખબારનગર, પરિમલ ગાર્ડન, શાહીબાગ, મકરબા અને મીઠાખળી અંડરપાસ બંધ કરી દેવામાં આવ્યા છે.આ સિવાય કેટલાક બીઆરટીએસ રૂટ પણ બંધ કરવામાં આવ્યા છે. જેમાં આરટીઓ મણિનગર, એસપી રિંગ રોડથી એલડી કોલેજ, રબારી કોલોનીથી આરટીઓ, સાણંદ સર્કલથી સારંગપુર અને આરટીઓ સર્ક્યુલર રૂટ પર બીઆરટીએસ સેવા બંધ કરવામાં આવી છે. તો કેટલીક AMTS બસ સેવાને ડાયવર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે DEO દ્વારા શાળાઓમાં જરૂર પડે તો બાળકોને રજા આપી દેવાની સૂચના આપવામાં આવી છે. સીટીએમ વિસ્તારમાં આવેલી ઉદગમ સ્કૂલમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે.
અમદાવાદમાં ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. બેરેજમાંથી 17000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. બીજીતરફ એકાએક પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે.