Rajasthan: રાજસ્થાનમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા, બરફની ચાદર છવાઈ ગઈ

રાજસ્થાનમાં હવામાન શુક્રવારે (28મી ફેબ્રુઆરી) બપોર પછી બદલાવ આવ્યો હતો. બિકાનેર જિલ્લાના લુંકરનસર તહસીલ સહિત ચુરુ, નાગૌર, ઝુનઝુનુ અને શેખાવાટીના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફના કરાની ચાદર છવાઈ ગઈ હતી. બદલાતા વાતાવરણના કારણે ઘઉં, ચણા, સરસવ અને જીરુંના પાકનો નાશ થયો છે, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
અહેવાલો અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હવામાનમાં અચાનક ફેરફાર થયો છે. શુક્રવારે શ્રીગંગાનગર અને જેસલમેર સહિત ઘણાં જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. ચુરુના રતનગઢ તાલુકાના કાંગાર ગામમાં બપોરે અચાનક કરા પડવા લાગ્યા, જેના કારણે ખેતરોમાં બરફની સફેદ ચાદર ફેલાઈ ગઈ.
હવામાન વિભાગ અનુસાર,, નવા પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે આજથી (પહેલી માર્ચ) સુધી હવામાન બદલાતું રહેશે. ગાજવીજ, હળવો વરસાદ અને ભારે પવન પણ રહેશે. આવી સ્થિતિમાં રાજ્યના તમામ જિલ્લાઓના મહત્તમ તાપમાનમાં પણ 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ આગામી ચાર દિવસ સુધી હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. આ ઉપરાંત માર્ચ 2025 દરમિયાન, રાજ્યના મોટાભાગના ભાગોમાં લઘુતમ અને મહત્તમ તાપમાન સરેરાશ કરતા વધુ નોંધાય તેવી શક્યતા છે. જેના કારણે ભારે ગરમી પડવાની શક્યતા છે.
આ પણ વાંચો, How To Stay Fit in Summer: ઉનાળામાં સ્વાસ્થ્યનું ધ્યાન કેવી રીતે રાખવું, આ ટિપ્સ કામમાં આવશે