રાજ્યમાં પાંચ દિવસ માટે કાળઝાળ ગરમીનું એલર્ટ, 43.2 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ બન્યું હોટેસ્ટ સિટી

રાજ્યમાં એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અને ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ એવા અનેક શહેરો છે જ્યાં તાપમાનો પારો 42ને પાર જતાં લોકો આકરી ગરમી અને લૂથી પરેશાન છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ આકરી ગરમીની આગાહી કરી છે. ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આગામી બે દિવસ દરમિયાન તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે ગુરુવારે 43.2 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. રાજ્યના 7 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી બે દિવસમાં અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ગુરુવારે અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાતા શહેર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું.
રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા, સુરત, ભુજ, ગાંધીનગર અને ડીસા સહિત કુલ 7 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. આકરા તાપના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે અને લોકો તાપથી બચવા માટે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.
ડૉક્ટરોએ ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોને બપોરે 12થી 4 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી છે. ગરમીથી બચવા માટે પૂરતું પાણી પીવું, હળવો ખોરાક લેવો અને સીધા તાપથી બચવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે.
ક્યાં સૌથી વધુ તાપમાન?
અમદાવાદ- 43.2
ગાંધીનગર- 43
રાજકોટ- 42.7
અમરેલી – 42.3
ડીસા- 42
વડોદરા – 41.6
કંડલા- 41
ભુજ- 40.6
ભાવનગર – 40