ગુજરાતી મનોરંજન ક્ષેત્રને ક્યારેય ન પુરાય તેવી ખોટ; જાણીતા કૉમેડી કિંગ ‘ગુજુ લવ ગુરૂ’નું રોડ અકસ્માતમાં દુઃખદ નિધન

સમગ્ર ગુજરાતને પોતાની કોમેડીથી હસાવનાર સુઈગામના વતની અને જાણીતા કોમેડી કિંગ ‘ગુજ્જુ લવ ગુરુ’ એટલે કે ચંદન રાઠોડનું એક ગમખ્વાર અકસ્માતમાં મોત નીપજ્યું છે. વાવ-થરાદ પંથકમાં ભારે લોકપ્રિયતા ધરાવતા ચંદન રાઠોડને ભાભર ગૌશાળા પાસે બાઇક પર જતા સમયે આ અકસ્માત નડ્યો હતો, જેમાં તેમનું દુઃખદ અવસાન થયું છે. ગુજરાતી ફિલ્મો અને કોમેડી શોમાં મોટું નામ ધરાવતા આ કલાકારના અકસ્માત અને નિધનની જાણ થતાં જ તેમના ચાહકોમાં ભારે શોક વ્યાપી ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

મળતી માહિતી મુજબ, ચંદન રાઠોડ ભાભર પાસેથી પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે ભાભર ગૌશાળા પાસે તેમની બાઈકને અકસ્માત નડ્યો હતો. આ ઘટના એટલી ગંભીર હતી કે અકસ્માત દરમિયાન ગુજુ લવ ગુરૂને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ દુઃખદ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગેની જાણ થતાં જ ભાભર અને આસપાસના વિસ્તારમાંથી તેમના ચાહકો તેમજ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. સોશિયલ મીડિયા પર તેમના નિધનની ખબર વાયરલ થતાં જ ગુજ્જુ લવ ગુરૂના પ્રશંસકો અને કલાકારોએ ભારે હૃદયે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ચંદન રાઠોડ પોતાની દેશી કોમેડી શૈલી અને ‘ગુજુ લવ ગુરૂ’ ના નામે ખૂબ જ લોકપ્રિય હતા. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર-ઘરમાં ઓળખ બનાવી હતી અને બાદમાં ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાના અભિનય અને કૉમેડીનો જાદુ વિખેર્યો હતો. પોતાની અનોખી કળાથી લાખો લોકોના ચહેરા પર સ્મિત લાવનાર આ કલાકારની વિદાયથી ગુજરાતી મનોરંજન ક્ષેત્રને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.

ચંદન રાઠોડે મોતના ગણતરીના કલાકો પહેલાં એક રીલ બનાવી હતી, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ રીલમાં તેમણે કહ્યું હતું કે, “જેનો ભરોસો નથી એનું નામ જિંદગી અને જેનો સોએ સો ટકા ભરોસો છે એનું નામ મોત…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *