ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ તો મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના ચમકારા અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડા જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં પણ ખૂબ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
IMDએ જણાવ્યું છે કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિ સક્રિય રહેશે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે તેમજ નદીઓ અને નાળાઓમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા છે.