ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ઉત્સાહપૂર્વક ઉજવણી

ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશિષ્ટ રીતે એશિયાટિક સિંહોના સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ડૉ. શબનમ સૈયદ દ્વારા ‘એશિયાટિક સિંહોની સંરક્ષણ યાત્રા’ વિષય પર વિશેષ જાણકારી આપવામાં આવી હતી, જેમાં સિંહોને બચાવવાના પ્રયાસો અને તેમના રહેઠાણના સંરક્ષણ અંગેની માહિતી આપવામાં આવી હતી.
ત્યારબાદ, સિંહ સંરક્ષણ વિષયક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, યોગ્ય જવાબ આપનાર વિદ્યાર્થીને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન હાજર દરેક વ્યક્તિ દ્વારા સિંહોના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આશરે ૧૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વન્યજીવન વિશે પોતાની રુચિ દર્શાવી હતી. કાર્યક્રમના અંતે સાયન્સ સિટી કેમ્પસમાં જાગૃતિ રેલી યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ સૂત્રો અને બેનરો સાથે સંદેશ આપ્યો અને કુદરતી વારસાને સાચવવાની મહત્તા ઉપર પ્રકાશ પાડ્યો.

ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ સિટી દ્વારા આયોજિત આ વિશ્વ સિંહ દિવસની ઉજવણી વન્યજીવન સંરક્ષણ માટેનો સહયોગ અને સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. સાયન્સ સિટી આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાની અને સંરક્ષણ અંગે શિક્ષણ આપવાની કામગીરી સતત કરી રહી છે.