આણંદમાં પતંગ લૂંટવા જતા 15 વર્ષના સગીરને લાગ્યો વીજ કરન્ટ, ઘટનાસ્થળે જ મોત

ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉતરાયણ તહેવારમાં દર વર્ષે જીવલેણ દોરી, ધાબા પરથી પડી જવાની કે વીજ કરંટ લાગવાની ઘણી ઘટનાઓ સામે આવે છે. ઉતરાયણ આવવાના મહિના પહેલાથી આકાશમાં એકલદોકલ પતંગો દેખાવા લાગે છે ત્યારે ઉત્તરાયણ પહેલા જ આણંદથી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળેલી વિગતો પ્રમાણે, અહીં પતંગ લૂંટવા જતા 15 વર્ષીય કિશોરનું મોત થયું છે. આ ઘટના ખંભાતના ઉદેલ ગામમાં બની હોવાનું સામે આવ્યું છે.
માહિતી પ્રમાણે, ખંભાતના ઉદેલ ગામમાં પતંગ લૂંટવા જતા 15 વર્ષના કિશોરનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. કિશોર એક શેડ પર પતંગ લેવા ગયો, જ્યાં તેને વીજકરંટ લાગ્યો. વીજ કરંટ લાગતાં સગીરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ ઘટનાને લઈને મૃતકના પરિજનો સહિત પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ કિસ્સો માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. જો કે આ પહેલીવાર નથી કે આ રીતે પતંગ લેવા જતાં બાળકનું મોત નીપજ્યું હોય. અગાઉ પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો.
ગયા મહિને ડિસેમ્બર 2025માં પણ આણંદ જિલ્લાના ભાણપુરા વિસ્તારમાં પતંગ ચગાવતા સમયે વીજ કરંટ લાગતા 10 વર્ષના બાળકનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો, ત્યારે પતંગની દોરી નજીકથી પસાર થઈને વીજ લાઇનને અડી ગઈ હતી. અચાનક ભારે વીજ કરંટ લાગતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. પરિવારજનો તાત્કાલિક જ મદદ માટે દોડી આવ્યા, પરંતુ કરંટની તીવ્રતાને કારણે બાળકનું સ્થળ પર જ મોત થયું હતું.