ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત

ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્કવૉડે કોસ્ટગાર્ડની મદદથી મધદરિયે ફરી એકવાર મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધ દરિયે 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ડ્રગ્સ લઈને આવી રહેલા પાંચેય શખસ પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો અરબી સમુદ્રમાં લક્ષદ્વીપથી મુંબઈ લઈ જવાતો હતો તે પહેલાં જ ATSની ટીમે ઝડપી પાડ્યો છે. ATSએ પકડેલા ડ્રગ્સની કિંમત અંદાજિત 3 હજાર કરોડ જેટલી છે. હાલ ઝડપાયેલા પાંચેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત ATS આ ઓપરેશન અંગે ટૂંક સમયમાં સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ જાહેર કરી વિગતો જાહેર કરશે. 3 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં બોટમાં સવાર પાંચેય પાકિસ્તાન નાગરિકને હાલમાં મુંબઈ ખાતે લઈ જઈ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

બોટમાંથી આશરે 526 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળા ડ્રગ્સ (હેરોઈન અને મેથામ્ફેટામાઈન) જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ₹૩,૦૦૦ કરોડથી વધુ છે. ભારતીય કોસ્ટ ગાર્ડે આ કામગીરી અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી. મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, “વિશ્વસનીય માહિતી મળવા પર ભારતીય કોસ્ટ ગાર્ડે દરિયામાંથી સચોટ દેખરેખ રાખી હતી અને 25 સપ્ટેમ્બર, 2026ના રોજ સતત પીછો કર્યા પછી એક શંકાસ્પદ ઈરાની બોટને અટકાવી હતી.”તેમણે લખ્યું હતું કે, “ગુજરાત ATS અને સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી સાથે હાથ ધરવામાં આવેલા ગુપ્ત માહિતીના આધારે સંયુક્ત ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડના એકમોએ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપની પશ્ચિમમાં એક શંકાસ્પદ ઈરાની બોટને અટકાવી હતી. બોટની ઓળખ કરી, સતત તેનો પીછો કરી ઝડપથી કાર્યવાહી કરતા એક મુખ્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરી નેટવર્કને સફળતાપૂર્વક તોડી પાડવામાં આવ્યું હતું.”

આ ઓપરેશનના પરિણામે 526 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળા હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત ₹૩,૦૦૦ કરોડથી વધુ છે. બોટમાં સવાર પાંચ પાકિસ્તાની ક્રૂ સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી બોટ અને તેના ક્રૂને અનેક એજન્સીઓ દ્વારા તપાસ અને વધુ કાનૂની કાર્યવાહી માટે મુંબઈ લાવવામાં આવ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડ આપણી દરિયાઈ સરહદોનું રક્ષણ કરવા, ડ્રગ મુક્ત ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ડ્રગ સિન્ડિકેટને નાબૂદ કરવા અને દેશને આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાઓથી બચાવવા માટે સંપૂર્ણપણે તૈયાર અને પ્રતિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *