દુબઈ-તેલ અવીવ ફ્લાઇટ હાઇજેક થયાની આશંકા:ઇઝરાયલે ફાઇટર જેટ મોકલ્યું, લેન્ડિંગ પછી ખબર પડી- પાઇલટો વચ્ચે મારામારી થઈ હતી

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાંથી અચાનક હાઇજેકનું એલર્ટ મળ્યા બાદ ઇઝરાયલમાં ખળભળાટ મચી ગયો. વિમાને પહેલાં સામાન્ય ઇમરજન્સીનો 7700 કોડ મોકલ્યો અને ત્યારબાદ 7500 કોડ મોકલ્યો, જે હાઇજેક અથવા વિમાનમાં ગેરકાયદેસર દખલનો સંકેત હોય છે. ત્યારબાદ ઇઝરાયલે વિમાન તરફ ફાઇટર જેટ મોકલી દીધાં.
ફ્લાઇટે પોતાનો માર્ગ બદલ્યો અને સાઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર ઉતરી ગઈ. વિમાનમાં આશરે 180 મુસાફરો સવાર હતા. તેમાં 150થી વધુ ઇઝરાયલી નાગરિકો હતા.
લેન્ડિંગ બાદ સામે આવ્યું કે વિમાનમાં હાઇજેક જેવી કોઈ સ્થિતિ નહોતી. ઇઝરાયલી સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, પાઇલટો વચ્ચે બોલાચાલી થયા બાદ આ સંકેતો મોકલવામાં આવ્યા હતા. CNN મુજબ, વિમાનમાં બંને પાઇલટો વચ્ચે હિંસક ઘટના બની હતી. આ જ કારણસર ફ્લાઇટને સાઉદી અરેબિયા તરફ વાળવી પડી.
ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા મુજબ, વિમાન સાઉદી અરેબિયા ઉપર પહોંચ્યા બાદ પોતાના નિર્ધારિત માર્ગથી વળી ગયું હતું.
ત્યારબાદ વિમાન તાબુક એરપોર્ટ તરફ આગળ વધ્યું. થોડા સમય માટે ફ્લાઇટ-ટ્રેકિંગ વેબસાઇટ્સ પર વિમાનની સ્થિતિ દેખાતી પણ બંધ થઈ ગઈ હતી.
ઇઝરાયલમાં વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી વચ્ચે ઇમર્જન્સી વાતચીત
વિમાનમાંથી મળેલા એલર્ટ બાદ ઇઝરાયલમાં સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ. હિબ્રુ મીડિયા અનુસાર, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીએ પણ આ મામલે કટોકટીની વાતચીત કરી.
આ દરમિયાન વિમાનની સ્થિતિ અને તેમાં સવાર મુસાફરો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી. ઇઝરાયલી એરફોર્સના ફાઇટર જેટ્સ પણ વિમાન તરફ મોકલવામાં આવ્યા હતા.
પાઇલટ્સ વચ્ચે કઈ વાત પર વિવાદ થયો?
પાઇલટ્સ વચ્ચે કઈ બાબતને લઈને વિવાદ થયો હતો, તેની માહિતી હજુ સામે આવી નથી. 7500 કોડ કયા કારણસર મોકલવામાં આવ્યો હતો, તે પણ સ્પષ્ટ નથી.
હાલમાં આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. વિમાન સાઉદી અરેબિયામાં ઉતર્યા બાદ અધિકારીઓને ઘટનાની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવાની તક મળી છે.