સુરેન્દ્રનગરમાં બાલિકા વિદ્યાલયની ઘોર બેદરકારી: રાતનું વાસી ભોજન સવારે પીરસતા 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) માંથી એક અત્યંત ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. શાળામાં પીરસવામાં આવેલા ભોજનના કારણે સામૂહિક ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના બની છે. શરૂઆતમાં 100 આસપાસ વિદ્યાર્થિનીઓ બીમાર પડ્યા બાદ, વધુ 100 જેટલી બાળાઓની તબિયત લથડતાં કુલ અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓનો આંકડો 200થી પાર પહોંચી ગયો છે. હાલમાં તમામ વિદ્યાર્થિનીની હાલત સ્થિર છે.

આ ગંભીર દુર્ઘટના પાછળ શાળા વહીવટતંત્રની ઘોર બેદરકારી હોવાનો પર્દાફાશ થયો છે. પ્રાથમિક વિગતો મુજબ, વિદ્યાલયમાં બાળાઓને રાત્રિનું વાસી ભોજન સવારના સમયે પીરસી દેવામાં આવ્યું હતું, જેના કારણે તેની વિપરીત અસર ફેલાઈ હતી. ઘટનાની ગંભીરતા વધતાં અને પોતાની કરતૂતો ખુલ્લી પડી જવાના ડરથી કન્યા વિદ્યાલયના જવાબદાર સંચાલકો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. આ અમાનવીય બેદરકારીને કારણે અનેક દીકરીઓનો જીવ જોખમમાં મુકાયો છે, જેને લઈને વાલીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લાની તમામ 108 એમ્બ્યુલન્સ સેવાઓને સ્ટેન્ડ-બાય પર રાખી દેવામાં આવી છે. અસરગ્રસ્ત 200થી વધુ બાળાઓને તાબડતોબ સારવાર અર્થે સુરેન્દ્રનગર, ચુડા અને લીંબડીની સિવિલ હોસ્પિટલોમાં ખસેડવામાં આવી છે, જ્યાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગની વિશેષ ટીમોએ પણ હોસ્પિટલ અને ઘટનાસ્થળે ધામા નાખ્યા છે અને દીકરીઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *