દિવાળી પહેલા રેલવે કર્મચારીઓ માટે ખુશખબર, મોદી સરકારે આપી મોટી ભેટ!

દિવાળી પહેલાં મોદી સરકારે રેલવેના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવ લિંક્ટડેન્ટ બોનસને મંજૂરી આપવામાં આવી છે. આ બોનસનો લાભ 11.40 લાખથી વધુ રેલવે કર્મચારીઓને મળશે.
બોનસની ચુકવણી પાછળ સરકારને કુલ ₹2,009.61 કરોડનો ખર્ચ થશે. દરેક પાત્ર રેલવે કર્મચારીને મહત્તમ ₹17,951નું બોનસ મળશે. ટ્રેક મેન્ટેનર્સ, લોકો પાઇલોટ્સ, ટ્રેન મેનેજર્સ (ગાર્ડ્સ), સ્ટેશન માસ્ટર્સ, ટેકનિશિયન્સ, પોઈન્ટ્સમેન અને અન્ય ગ્રુપ-સી કર્મચારીઓને આનો લાભ મળશે.રેલવે કર્મચારીઓને દર વર્ષે દુર્ગા પૂજા અને દશેરાની રજાઓ પહેલાં PLB ચૂકવવામાં આવે છે. તે જ રીતે આ વર્ષે પણ સરકારે 78 દિવસના બોનસની જાહેરાત કરવામાં આવી છે. રેલવેના કામગીરીના મૂલ્યાંકન અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી આ બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન, રેલવેએ 1,670 મિલિયન ટન માલસામાનના લોડિંગનો વિક્રમ સ્થાપ્યો હતો. આ સમયગાળા દરમિયાન, રેલવેએ અંદાજે 7.41 અબજ મુસાફરોનું પરિવહન કર્યું હતું.
PLBની વર્તમાન ગણતરીમાં ₹7,000ની વેતન મર્યાદા અને 78 દિવસની અવધિનો ઉપયોગ કરવામાં આવે છે, જેના પરિણામે નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને ₹17,951નું બોનસ મળે છે. ઇન્ડિયન રેલ્વેઝ ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન (IRTSA)એ માંગણી કરી હતી કે લેવલ-2 અને તેથી ઉપરના સ્તરના કર્મચારીઓ માટે વેતન મર્યાદા વધારીને ₹18,000 કરવામાં આવે.