બજેટ પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ભેટ, 8મા પગાર પંચની રચનાને મંજૂરી

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ગુડ ન્યૂઝ આવ્યાં છે. મોદી સરકારે કર્મચારીઓ અને પેન્શનધારકો માટે 8મા પગાર પંચને મંજૂરી આપી છે, આ સમાચાર સાથે જ કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઈ છે, 8મા પગાર પંચની તેમની ઘણા લાંબા સમયથી માગ હતી જે હવે પૂરી થઈ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એવા સમયે આઠમા પગાર પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે જ્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 53 ટકા થઈ ગયું છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી આ રાહતની અપેક્ષા રાખતા હતા, જેને આશા આખરે ફળી છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કર્મચારીઓના પગાર અને પેન્શનધારકોના પેન્શનમાં વધારો થશે. લાભ લેનારા લોકોની સંખ્યા એક કરોડથી વધુ છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. 7મા પગાર પંચની રચના 2016માં કરવામાં આવી હતી અને તેનો કાર્યકાળ 2026માં સમાપ્ત થશે. વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં કમિશનના અધ્યક્ષ અને બે સભ્યોની નિમણૂક કરવામાં આવશે.
આઠમા પગાર પંચના એલાન અને તે લાગુ પડ્યાં બાદ કર્મચારીઓના પગારમાં ઘણો મોટો વધારો આવશે, જોકે અલગ અલગ રેન્ક પ્રમાણે અલગ અલગ વધારો થશે.8મું પગાર પંચ 2026 સુધી પોતાનો રિપોર્ટ સોંપી દેશે. 7મા પગાર પંચની રચના 2016માં કરવામાં આવી હતી અને તેનો કાર્યકાળ 2026માં પૂરો થશે.