અમદાવાદના 22 વર્ષીય યુવકનું કેનેડામાં અકસ્માતમાં મોત, રોંગ સાઈડ આવતી કારે મારી ટક્કર

અમદાવાદના 22 વર્ષીય કોમ્પ્યુટર અન્જિનિયરનું કેનેડામાં 18 જુલાઇની રાત્રે કાર અકસ્માતમાં મોત નીપજ્યું હતું. કેનેડાના સાસ્કાચેવાન હાઈવે પર રાત્રિના સમયે રોંગ સાઇડમાં પૂરઝડપે આવતા કારચાલકે ભીષ્મ રાજ્યગુરૂની કારને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે ભીષ્મની કાર ફંગોળાઈ બાજુના મેદાનમાં પલટી ખાઈ ગઈ હતી અને ગંભીર ઈજાના કારણે તેનું મોત થયું હતું. આગામી 2 ઓગસ્ટે ભીષ્મનો પાર્થિવ દેહ અમદાવાદ લાવવામાં આવશે. કેનેડિયન મીડિયાના રિપોર્ટ અનુસાર અકસ્માત કરનાર રસ રાઇડિંગ ગેમના કેપ્ટન જેડન ડેલ્ક્સની કાર રોંગ સાઈડમાં હતી અને તેમાંથી આલ્કોહોલ તથા ડ્રગ્સ મળી આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી યશકુંજ સોસાયટીમાં રહેતો 22 વર્ષીય ભીષ્મ રાજ્યગુરૂ છેલ્લા 4 વર્ષથી કેનેડાના રીજીનામાં રહેતો હતો. અમદાવાદમાં ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા ભીષ્મ કેનેડા ગયો હતો અને છેલ્લા એક વર્ષથી કાર લીડરશીપ કંપનીમાં જોબ કરતો હતો.

ભીષ્મ નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે સાસ્કાચેવાન હાઈવે નંબર-11 પર રાત્રિના 9 વાગ્યાની આસપાસ સામેની લેનમાં પૂરઝડપે આવતી કારે ભીષ્મની કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ભીષ્મની કાર ઉછળીને બાજુમાં આવેલા મેદાનમાં પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો.

કાર અકસ્માતમાં ભીષ્મને ગંભીર ઈજા પહોંચી હતી. ઇન્ટર્નલ બ્લિડિંગ થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ભીષ્મના મિત્રો અને ગુજરાતી સમાજના લોકોને જાણ થતા તાત્કાલિક તેઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. ભીષ્મની કારને ટક્કર મારનાર કારચાલક રસ રાઇડિંગ ગેમનો કેપ્ટન જેડન ડેલ્ક્સ હતો. અકસ્માત કરનાર કારચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે. 22 વર્ષીય ભીષ્મ રાજ્યગુરૂના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

તો બીજી તરફ ભીષ્મના અકસ્માતના થોડા દિવસ બાદ તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ભીષ્મના મોત અંગે સ્થાનિક મેયરે પણ પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત રફ રાઇડર્સ મેચમાં પણ મોટી સ્ક્રીન પર ભીષ્મને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ભીષ્મના પરિવારમાં પિતા આશિષભાઈ રાજ્યગુરુ, માતા પૂર્વીબેન રાજ્યગુરુ અને એક નાની બહેન હિર રાજ્યગુરુ છે. ભીષ્મના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *