ઇરાન-અમેરિકા-ઇઝરાયલ તણાવથી ગેસ અને ક્રૂડના ભાવમાં ઉછાળો, તેલના ભાવ ચરમસીમાએ

ઇરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલાની પૃષ્ઠભૂમિમાં ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના મોતના અહેવાલોથી વૈશ્વિક રાજકીય અને આર્થિક તણાવ તેજ થયો છે. ઇરાની રાજ્ય મીડિયાએ આ ઘટનાની પુષ્ટિ કર્યાના દાવાઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારોમાં અનિશ્ચિતતા વધી છે. ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવમાં આવનારા દિવસોમાં ભારે ચઢાવ-ઉતારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુદ્ધની અસર સીધી ઊર્જા પુરવઠા પર પડી રહી છે. જેનાથી વિશ્વ અર્થતંત્ર પર લાંબા ગાળાની અસર થવાની ભીતિ ઉભી થઈ છે.

તણાવ વધતા હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલ જહાજોની અવરજવર ખોરવાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. વૈશ્વિક તેલ વપરાશનો આશરે 20 ટકા પુરવઠો આ જળમાર્ગમાંથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઇરાક, યુએઈ, કુવૈત અને કતાર જેવા ગલ્ફ દેશોમાંથી નિકાસ થતું મોટાભાગનું ક્રૂડ આ માર્ગે ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા એશિયાઈ બજારોમાં પહોંચે છે. જો અહીં લાંબા સમય સુધી અવરોધ સર્જાય તો પુરવઠાની સાંકળ તૂટી શકે છે અને ભાવોમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જોકે કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે ઇરાન માટે આ માર્ગ સંપૂર્ણપણે બંધ કરવો સ્વહાનિકારક સાબિત થઈ શકે. કારણ કે તે તેની પોતાની નિકાસ અને મુખ્ય ગ્રાહક ચીનને પણ અસર કરશે.

સંઘર્ષની શક્યતા ઊભી થતાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. શુક્રવારે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક Brent crude oil સાત મહિનાના ઉચ્ચતમ સ્તર 72.87 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું હતું. ઇરાન દરરોજ આશરે 1.6 મિલિયન બેરલ તેલ નિકાસ કરે છે. જેમાંથી મોટાભાગનું ચીનમાં જાય છે. જો આ પુરવઠો ખોરવાઈ જાય તો ચીન વૈશ્વિક બજારમાં વૈકલ્પિક સ્ત્રોત શોધશે. જેના કારણે માંગ વધશે અને ભાવોમાં વધુ તેજી આવી શકે છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:11 દેશોના એરસ્પેસથી દૂર રહેવા ભારતીય એરલાઇન્સને સૂચના, અનેક ફ્લાઇટ્સ રદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *