ગણેશ ગોંડલ ચકચારી કેસ : ‘પોલીસ હત્યાને અકસ્માતમાં ખપાવવા મથે છે’, હાઈકોર્ટમાં CBI તપાસની માંગ સાથે પીડિત પરિવારના ગંભીર આક્ષેપ

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે મારપીટ અને બાદમાં અકસ્માત દરમિયાન રાજસ્થાની જાટ યુવકના રહસ્યમય મોતના ચકચારી કેસમાં પીડિત પરિવારજન તરફથી ગુજરાત હાઈકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ગંભીર આક્ષેપ કરાયા હતા કે, ‘પોલીસ આરોપીઓના પ્રભાવમાં હત્યાના આ બનાવને અકસ્માતમાં ખપાવવાનો હીન પ્રયાસ કરી રહી છે.’ અરજદારપક્ષે ફરી એકવાર કેસની ગંભીરતા અને સંવેદનશીલતા ધ્યાનમાં લઈ સીબીઆઈ તપાસની માંગ કરી હતી. તો સાથે સાથે અગાઉ આ કેસમાં ગણેશ ગોંડલના કરાયેલા નાર્કો ટેસ્ટને લઈને પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સરકારપક્ષને સવાલ કર્યો હતો કે, ‘આરોપી અને અકસ્માત સર્જનાર લક્ઝરીબસના ચાલક વચ્ચે કોઈ કનેક્શન છે..?’ જો કે, સરકારપક્ષને નકારમાં જવાબ આપતા જણાવ્યું કે, ‘તેમની વચ્ચે કોઈ કનેક્શન નથી.’

અરજદારપક્ષ તરફથી ફરી એકવાર ગંભીર આક્ષેપો કરતાં અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, ગત તા. 2-3-2025ના રોજ આરોપીના ઘરમાં મૃતકને માર મરાયો હતો, તેના પિતાને પણ લાફા માર્યા હતા. તે રાતથી રાજકુમાર ગાયબ થયો હતો. બીજા દિવસે તેના ગુમ થયાની ફરિયાદ આપવામાં આવી હતી. તે સીસીટીવીમાં નગ્ન અને ત્યારબાદ બીજા કપડામાં દેખાય છે.
વ્યક્તિ પોતાના ઘરથી દૂર એક જ રાતમાં 52 કિલોમીટર કેવી રીતે ચાલી શકે? તેને પહેલા પહેરેલા કપડાં મળ્યા નથી. તેને નગ્ન ચાલવા મજબૂર કોણે કર્યો? તે નગ્ન ચાલતો હતો ત્યારે કેટલીક ગાડીઓ તેનો પીછો કરતી હતી. અમને લાગે છે કે તેને મારીને લક્ઝરી સામે નાખી દેવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *