Gandhinagar: CMના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ, મંત્રીમંડળે બે મિનીટનું મૌન પાળ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓની મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અગ્રણી સ્વ. વિજયભાઈ રૂપાણીના અવસાન અંગે ઊંડા ખેદ અને દુ:ખની લાગણી વ્યકત કરવામાં આવી હતી. રાજ્ય મંત્રીમંડળે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને ભાવસભર શ્રદ્ધાંજલી આપતો શોક પ્રસ્તાવ આ બેઠકમાં પસાર કર્યો હતો

રાજ્ય મંત્રીમંડળે પસાર કરેલ શોક પ્રસ્તાવ અક્ષરશ: આ મુજબ છે:-

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના અગ્રણી નેતા વિજયભાઈ રૂપાણીનું તા.૧૨/૦૬/૨૦૨૫ના રોજ ૬૮ વર્ષની વયે અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં થયેલા દુઃખદ અવસાનથી રાજ્ય સરકાર ઊંડાખેદની લાગણી અનુભવે છે. વિજયભાઈ રૂપાણીનો જન્મ ૦૨ ઓગસ્ટ,૧૯૫૬ના રોજ બર્માના રંગૂન શહેર(હાલમાં મ્યાનમાર) ખાતે થયો હતો.

તેમણે ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાંથી સ્નાતક થયા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. તેઓ વિદ્યાર્થીકાળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા હતા. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રચારક પણ રહ્યા હતા. ત્યારબાદ વર્ષ ૧૯૭૧માં તેઓએ ભારતીય જનસંધ સાથે પોતાની રાજકીય કારકીર્દીની શરૂઆત કરી હતી. આપાતકાળ દરમિયાન તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો.

સ્વ. વિજયભાઈ જાહેર જીવનની તેમની કારકિર્દી દરમિયાન રાજકોટ શહેરના મેયર, ૨૦૦૬થી ૨૦૧૨ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યાં હતા. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. તેમજ હાલમાં તેઓ પંજાબ અને ચંદીગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રભારી તરીકે સંગઠનમાં સેવાઓ આપી રહ્યાં હતા.

રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે સ્વ. વિજયભાઈએ વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન સેવાઓ આપી હતી. ગુજરાત રાજ્યના ૧૬માં મુખ્યમંત્રી તરીકે તેમણે ઓગસ્ટ, ૨૦૧૬થી સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી સેવાઓ આપી હતી. સ્વ. વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તાઉ-તે વાવાઝોડા, કોરોના મહામારી જેવી કુદરતી આફતોમાં રાહત અને બચાવની કામગીરીમાં સફળ નેતૃત્વ પુરૂં પાડીને શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કર્યું હતું.

તેમણે રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ તેમજ સર્વાંગી વિકાસ અને છેવાડાના લોકો માટે અનેક નીતિઓ, કાર્યક્રમો અમલમાં મૂક્યાં હતા. તેમણે રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને પ્રાધાન્ય આપ્યું હતું. ગુજરાત મુખ્યમંત્રી તરીકે રાજ્યના અવિરત વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન ગુજરાત હંમેશા યાદ રાખશે.

તેમની ચિરવિદાયથી ગુજરાતના રાજકીય અને સામાજિક જીવનમાં મોટી ખોટ પડી છે. સ્વ. વિજયભાઈ રૂપાણીના અવસાન અંગે રાજ્ય મંત્રીમંડળ, ગુજરાતની જનતા અને સરકાર ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરે છે અને તેમના દિવંગત આત્માને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

આજની બેઠકમાં મંત્રીમંડળે સ્વ. વિજયભાઈ રૂપાણીના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રભુ પ્રાર્થના સાથે બે મિનિટનું મૌન પાળી સ્વર્ગસ્થશ્રીને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પી હતી.

આ પણ વાંચો, International Yoga Day: 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અત્યાર સુધીનો સૌથી મોટો સામુહિક યોગ કાર્યક્રમ યોજાશે

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *