અમદાવાદ: વરસાદની આગાહી વચ્ચે કાંકરિયા અને રિવરફ્રન્ટ પર જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જયા-પાર્વતી વ્રત નિમિત્તે સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા લેક ખાતે મહિલાઓ તથા બાળકીઓ માટે દર વર્ષે કરાતું વિશેષ રાત્રિ આયોજન આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યું છે.

શહેરમાં અતિભારે વરસાદની સંભાવનાને પગલે મેયર હિતેશ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ તેમજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની વચ્ચે યોજાયેલી ચર્ચા અને સૂચન બાદ આ નિર્ણય લેવાયો છે. સંભવિત ભારે વરસાદ દરમિયાન જયા-પાર્વતી વ્રતધારી બાળકીઓ અને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી સાબરમતી રિવરફ્રન્ટના પસંદગીના ગાર્ડનો તેમજ કાંકરિયા લેક પરિસરમાં થનારું વિશેષ આયોજન નિર્ધારિત સમય મુજબ ઉપલબ્ધ રહેશે નહીં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જયા-પાર્વતી વ્રત કરનારી મહિલાઓ, બાલિકાઓ અને તેમના પરિવારજનોને આ નિર્ણયમાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ નિર્ણય સંપૂર્ણપણે જાહેર સુરક્ષા અને નાગરિકોના હિતને ધ્યાનમાં રાખીને જ લેવાયો છે. આ ઉપરાંત, AMCએ તમામ શહેરીજનોને હવામાનની સ્થિતિ પ્રત્યે સતર્ક રહેવા, જરૂરી સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા સમયસર આપવામાં આવતી માર્ગદર્શિકા તથા સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *