અમદાવાદ શહેરમાં સાબરમતી કેમ્પથી સીધા જઈ શકાશે એરપોર્ટ, નદી પર સિક્સલેન બ્રિજનું થશે નિર્માણ

સાબરમતી નદી ઉપર ગુજરાતના સૌ પ્રથમ રબર કમ બેરેજ કમ બ્રિજ રુપિયા ૩૬૭ કરોડના ખર્ચથી બનાવાની કામગીરી શરુ કરાઈ છે.સાબરમતી નદી ઉપર પશ્ચિમ તરફ સાબરમતી અચેરથી પૂર્વ તરફ કેમ્પ સદર બજાર વચ્ચે એક કિલોમીટરનો ૧૦૪૮.૦૮ મીટર લંબાઈનો સિકસલેન બેરેજ કમ બ્રિજ બનાવાશે.બ્રિજની બંને બાજુએ મુખ્ય બ્રિજ સુધી કનેકટ કરતા પૂર્વ અને પશ્ચિમ કાંઠે રિવરફ્રન્ટ રોડમાંથી એપ્રોચ બ્રિજ બનાવાશે.

આ સિકસલેન બ્રિજનું તથા બેરેજનું સિવિલ વર્ક રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ.ને રુપિયા ૨૩૯.૯૨ કરોડથી આપવામાં આવ્યુ છે. બ્રિજ બન્યા પછી સાબરમતીથી કેમ્પ સદર બજાર થઈ એરપોર્ટ જઈ શકાશે.એપ્રિલ-૨૦૨૭ સુધીમાં પ્રોજેકટ પુરો થવાની સંભાવના છે.બ્રિજની ડિઝાઈન રાજય સરકારના આર એન્ડ બી.વિભાગમાં મંજૂરીની પ્રક્રીયામાં છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઝ-ટુ અંતર્ગત નદીની બંને તરફ બેરેજ કમ બ્રિજની કનેકટિવિટી ચીમનભાઈ બ્રિજથી કલોલ તરફ જતા મુખ્ય રસ્તા ઉપર બુલેટ ટ્રેન સ્ટેશન તથા ટોરેન્ટ પાવર પાસે કનેકટ થાય છે.આ જગ્યા ટોરેન્ટ પાવરના ટી.પી.સ્કીમ નંબર-૨૩ના ફાઈનલ પ્લોટ નંબર-૮૭૨ તથા ૬૧૩માંથી દસ હજાર ચોરસમીટર જગ્યા મેળવવા દરખાસ્ત કરાઈ છે.

જમીન મેળવવાની બાકી છે. સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજૂર કર્યા પછી ચેરમેને કહ્યું કે, ટોરેન્ટ પાવર તરફથી જગ્યા મળ્યા પછી કેવી રીતે વળતર આપવું એ નકકી કરાશે.નદીની પૂર્વ તરફ શાહીબાગ ડફનાળાથી ઈન્દિરા બ્રિજ સુધીમાં આ પ્રોજેકટ માટે કેન્ટોન્મેન્ટ અમદાવાદની જમીન પ્રતિ ચોરસમીટર રુપિયા એક પ્રતિ વર્ષની લાયસન્સ ફીથી આપવા કેન્દ્ર સરકારે ૧૧ નવેમ્બર-૨૦૨૦ના રોજ હુકમ કર્યો હતો.આ બ્રિજ બનાવવા માટે થનાર ખર્ચ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ તરફથી મળનારી ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત થનારા બરાજમાં રબર બેરેજનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ ઓટોમેટીક કંટ્રોલ સિસ્ટમ આધારીત રહેશે. શહેરમાં પાણીની અછતના સમયે કોતરપુર ઈન્ટેક વેલ મારફતે અંદાજે ૧૦થી ૧૫ દિવસ ચાલે એટલો પાણીનો જથ્થો શુધ્ધિકરણ માટે મોકલી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *