Form filling for admission in RTE start: RTEમાં એડમિશન માટે ફોર્મ ભરાવાનું શરૂ, RTE પ્રવેશમાં 13 કેટેગરીને અગ્રતા

રાજ્ય સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં 25% બેઠક ઉપર ગરીબ અને જરૂરિયાત વાળા બાળકોને ધોરણ 1માં મફત પ્રવેશ માટે RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનુ આજે (28 ફેબ્રુઆરી) શરૂ થયું છે. જેમાં 12 માર્ચ સુધી વાલીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. અરજદારો ઓનલાઈન અરજી https://rte.orpgujarat.com પર કરી શકાશે. રાજ્યની 40 શહેર-જિલ્લાની ખાનગી સ્કૂલોની 93,527 સીટ પર ધો. 1માં બાળકોને પ્રવેશ મળશે. આર્થિક નબળા-જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ધો. 8 સુધી ફ્રી એજયુકેશન મેળવી શકશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા રૂ. 1.20 લાખ તો શહેરી વિસ્તારમાં આવક મર્યાદા રૂ. 1.50 લાખ રાખવામાં આવેલી છે.
અલગ-અલગ 13 કેટેગરીમાં અગ્રતા આપવામાં આવશે. પ્રથમ રાઉન્ડની સીટ ફાળવણી સૂચિ 27 માર્ચે જાહેર કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં 14,778 અને જિલ્લામાં 2,262 બેઠક પર પ્રવેશ આપવામાં આવશે. સુરત શહેરમાં 994 સ્કૂલોમાં 15,229 બેઠકો અને ગ્રામ્ય વિસ્તારમાં 388 સ્કૂલમાં 3,913 બેઠકો ઉપલબ્ધ રહેશે. ગત વર્ષે સુરત શહેરમાં 12,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 4,000થી વધુ બેઠકો હતી. તેમજ આરટીઇ નિયમો મુજબ અલ્પસંખ્યક શાળાઓમાં પ્રવેશ નહીં મળે. સુરત શહેરની 9 અને ગ્રામ્ય વિસ્તારની 2 સ્કૂલ આરટીઇ પ્રવેશ પ્રક્રિયામાં સામેલ નહીં થાય. વડોદરામાં આરટીઈ હેઠળ કુલ 333 સ્કૂલમાં 4,800 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે. ગત વર્ષ કરતા 1500 બેઠકોનો વધારો થયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વર્ષ 2025માં 921 ખાનગી સ્કૂલમાં 6,640 વિદ્યાર્થી એડમિશન મેળવી શકશે. ગત વર્ષે 2024માં કુલ 804 ખાનગી સ્કૂલમાં 4,487 બેઠક પર જ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા હતા. ગત વર્ષ કરતા આ વર્ષે સ્કૂલોની સંખ્યામાં 117 તો વિદ્યાર્થીઓની ઇન્ટેક કેપેસિટીમાં 2,153નો વધારો થયો છે. જેથી વધુ વિદ્યાર્થીઓ આરટીઇ હેઠળ એડમિશન મેળવી શકશે અને ધોરણ 1થી 8 સુધી ખાનગી સ્કૂલોમાં ફ્રી એજ્યુકેશન મેળવી શકશે, જેનો ખર્ચ સરકાર ઉઠાવશે.
વર્ષ 2023- 24થી ગુજરાત સરકાર દ્વારા એવો નિયમ ગણવામાં આવ્યો હતો કે જે બાળકોને 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તેઓને જ ધોરણ 1માં પ્રવેશ આપવો. જેના કારણે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી હતી. કારણ કે, 6 વર્ષ પૂર્ણ ન થયા હોય તેઓને બાલવાટિકામાં પ્રવેશની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, આ વર્ષે 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જેની જાહેરાત આજે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ. આઈ. જોષી દ્વારા કરવામાં આવેલી છે. વાલીઓ http://rte.orpgujarat.com વેબસાઈટ ઉપરથી ફોર્મ ભરી શકશે. જેમાં 1 જૂન, 2025ના 6 વર્ષ પૂર્ણ થતા હોય તેવા બાળકો જ ધોરણ 1માં પ્રવેશપાત્રતા ધરાવે છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ-કેટેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઈન્કમટેક્ષ રીટર્ન, તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં) વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં.
RTE પ્રવેશમાં 13 કેટેગરીને અગ્રતા આપવામાં આવશે
- અનાથ બાળક
- સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
- બાલગૃહના બાળકો
- બાળ મજૂર-સ્થળાંતરીત મજૂરના બાળકો
- મંદબુધ્ધિ-સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો-શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા-2016ની કલમ 34(1)માં દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો
- (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરપી (એઆરટી)ની સારવાર લેતા બાળકો
- ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસદળના જવાનના બાળકો
- જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
- રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
- 0થી 20 આંક ધરાવતાં તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્ય)ના BPL કુંટુંબના બાળકો
- અનુસૂચિત જાતિ (SC) તથા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
- જનરલ કેટેગરી, બિન અનામત વર્ગના બાળકો
રાઈટ ટુ એજ્યુકેશન માટે એક માત્ર દીકરી હોવા અંગેનુ પ્રમાણપત્ર રાજ્યની મહાનગરપાલિકાઓ દ્વારા આપવામાં આવશે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નબળા વર્ગના બાળકોના શિક્ષણ અર્થે શાળા પ્રવેશ અર્થેના રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જુન – 2025ના સત્રના પ્રથમ ધોરણના પ્રવેશ માટેની જાહેરાત થઈ છે જેમાં જે માતા-પિતાને ફક્ત એક માત્ર દિકરી હોય તેઓને પ્રથમ ધોરણમાં પ્રવેશમાં અગ્રતા આપવાની જાહેરાત થયેલ છે. આ વર્ષે આરટીઇ હેઠળ ખોટા દસ્તાવેજો આપી પ્રવેશ મેળવવાની કોશિશ કરનારા સામે કડક કાર્યવાહી થશે. જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું કે, ફેક દસ્તાવેજો વડે પ્રવેશ લેનારા માતાપિતાને છોડવામાં નહીં આવે. તેમણે કોઈ એજન્ટ અથવા દલાલના વાતોમાં ન પડવા અને ખોટા દસ્તાવેજો ન બનાવવાની ચેતવણી આપી છે.આવા ખોટા દસ્તાવેજો મળી આવે તો ફોર્મ તાત્કાલિક રદ કરી દેવામાં આવશે. જો કોઈ બાળક ખોટી માહિતીના આધારે પ્રવેશ મેળવે અને તે પછી તપાસમાં ઉઘડી આવે, તો પ્રવેશ રદ કરવામાં આવશે અને કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે.
આ પણ વાંચો, Ahmedabad: અમદાવાદીઓને વધુ એક બ્રિજની ભેટ મળશે, પાંજરાપોળથી વસ્ત્રાપુર રોડ પર બનશે બ્રિજ