સુખસરના ભાટ મુવાડી ગામે આગની ઘટના: અંદાજે 45 હજાર રૂપિયાનો ઘાસચારો અને મકાઈના ડોડા બળીને ખાખ

ખેડૂત શૈલેષભાઈ ડીંડોરને મોટું આર્થિક નુકસાન; તાલુકા પ્રમુખ ભરત ડીંડોરે સ્થળ પર પહોંચી ₹25 હજારની સહાય આપવાની જાહેરાત કરી

દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના ભાટ મુવાડી ગામે અચાનક આગ લાગવાની ઘટના બનતા ખેડૂતનો અંદાજે ₹45 હજારની કિંમતનો ઘાસચારો અને મકાઈના ડોડા બળીને ભસ્મ થઈ ગયા હતા. આગની આ ઘટનાને પગલે ખેડૂત પરિવારને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ભાટ મુવાડી ગામના શૈલેષભાઈ વીરશીંગભાઈ ડીંડોર ભાગે જમીન રાખીને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વર્ષે સુખસર તાલુકામાં પાણીની અછત અને વરસાદની અછતના કારણે ચોમાસાની ખેતી પણ નિષ્ફળ જવા પામી છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો પોતાના મૂંગા પશુઓ માટે મુશ્કેલીના સમયમાં ઘાસચારાની વ્યવસ્થા કરી તેને સાચવી રાખતા હોય છે.

દરમિયાન તારીખ 8 નવેમ્બર, 2026ના રોજ સવારે આશરે 11:30 વાગ્યાના અરસામાં શૈલેષભાઈ ઘરે ભોજન કરવા ગયા હતા. તે દરમિયાન અચાનક તેમના ઘાસચારા અને મકાઈના ડોડામાં આગ લાગી હતી. આગની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જોકે, આગની લપેટમાં ઘાસચારો અને મકાઈના ડોડા બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં તાલુકા પ્રમુખ ભરત ડીંડોર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત ખેડૂતને ₹25 હજારની સહાય આપવાની જાહેરાત કરી હતી.

પહેલેથી જ વરસાદની અછતના કારણે ખેતીમાં નુકસાન સહન કરી રહેલા ખેડૂત માટે પશુઓના ઘાસચારા અને મકાઈના ડોડા બળી જવાની આ ઘટના વધુ એક મુશ્કેલી બની છે. હવે આવા સંજોગોમાં અસરગ્રસ્ત ખેડૂતને યોગ્ય સરકારી સહાય મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની સત્તાવાર વિગતો મળવાની બાકી છે.

યાસીર ગુડાલા દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *