આખરે ડાકોર મંદિરના દરમાં થયેલો ભાવ વધારો મોકૂફ રખાયો, જાણો કેમ

ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે ધ્વજારોહણ અને વિવિધ મનોરથોના દરોમાં કરાયેલા ભારે વધારાને લઈને ઉભા થયેલા વિવાદ બાદ મંદિર કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. ભક્તો અને સેવકોમાં ઉઠેલા ભારે રોષને ધ્યાનમાં રાખીને કમિટીએ હાલ પૂરતા વધારેલા દરો મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
તાજેતરમાં મંદિર કમિટીએ શિખર પર ચઢાવવામાં આવતી ધ્વજાના દરમાં મોટો વધારો કર્યો હતો. અગાઉ 600 રૂપિયામાં થતું ધ્વજારોહણ હવે 2500 રૂપિયા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેટલાક મનોરથોના દરોમાં પણ વધારો કરાતા ભક્તોમાં અસંતોષ ફેલાયો હતો.
દરવધારાના મુદ્દે સ્થાનિક સેવકો, વેપારીઓ અને ભક્તોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. ભક્તોની લાગણી અને આર્થિક ભારણને ધ્યાનમાં રાખીને મંદિર કમિટીએ તાત્કાલિક અસરથી ભાવવધારો મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
કમિટીના આ નિર્ણયથી ભક્તોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોએ આશા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં આવા મહત્વના નિર્ણયો લેતા પહેલા ભક્તોની ભાવનાઓ અને પરંપરાઓનું પણ ધ્યાન રાખવામાં આવશે.