આખરે ગુજરાતમાં ઘટ્યું ઠંડીનું પ્રમાણ, કયા જિલ્લામાં નોંધાયું સૌથી વધુ તાપમાન

રાજ્યમાં શિયાળો હવે વિદાયના દિવસો ગણી રહ્યો છે.. તાપમાનમાં વધારો થઇ રહ્યો છે અને ખાસ કરીને બપોરના સમયે લાગતી ગરમી ઉનાળાની શરૂઆત થઇ રહી હોવાનો અનુભવ કરાવે છે..
રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. લઘુતમ તાપમાનમાં વધારો થયો છે. રાજ્યમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા 4 ડિગ્રી વધ્યું છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 19.2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરમાં મહત્તમ તાપમાન સૌથી વધુ 35.8 ડિગ્રી નોંધાયું છે.
રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે. આવનારા પાંચ દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે આકાશ સ્પષ્ટ રહેશે. આ સાથે આજે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સાથે મહત્તમ તાપમાન 35 ડિગ્રી જવાની આગાહી છે.
હવામાન નિષ્ણાતોને મતે આગામી સપ્તાહથી અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. ગત રાત્રિના અન્યત્ર વડોદરામાં લઘુતમ 18.2-મહત્તમ 33.6 ડિગ્રી, ભાવનગરમાં લઘુતમ 20.1-મહત્તમ 35.8, ભુજમાં લઘુતમ 18.8-મહત્તમ 35, ગાંધીનગરમાં લઘુતમ 18.5-મહત્તમ 35.5, રાજકોટમાં 18.6-મહત્તમ 33.7, સુરતમાં લધુતમ 18.1-મહત્તમ 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.