“કાં તો ચોખ્ખા હોવા જોઈએ કે પછી લુખ્ખા હોવા જોઈએ”, ચૂંટણી પ્રચારમાં કિરીટ પટેલના સરકાર પર આકરા પ્રહાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબરનો ગરમાયો છે. ત્રણેય પાર્ટીઓના નેતાઓ એક બીજા પર ધારદાર ભાષણો કરીને માહોલ ગરમાવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના ધારાસભ્ય કિરીટ પટેલે એક જાહેર સભા દરમિયાન સરકારની કાર્યપદ્ધતિ અને ભ્રષ્ટાચાર સામે લડવાની રણનીતિ પર કટાક્ષ કરતા વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે મતદારો અને કાર્યકરોને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં સરકાર પર પ્રહાર કર્યા હતા. કિરીટ પટેલના આ નિવેદન બાદ પાટણના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાતમાં ચૂંટણી પ્રચારના મંચ પરથી બોલતા પાટણના જિલ્લાના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન વ્યવસ્થામાં જો તમારે સરકાર પાસેથી કામ લેવું હોય, તો તમારી પાસે બે જ વિકલ્પ છે. તેમણે કહ્યું કે, “સરકાર પાસેથી કામ લેવું હોય તો તમે ચોખ્ખા હોવા જોઈએ.” જો તમારી છબી સ્વચ્છ હોય અને તમે કોઈ ખોટું કામ ન કર્યું હોય, તો જ તમે મક્કમતાથી સરકાર સામે અવાજ ઉઠાવી શકો છો.
કિરીટ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “કાં તો માણસ ચોખ્ખો હોવો જોઈએ કે પછી લુખ્ખો હોવો જોઈએ.” તેમના આ નિવેદનથી સભામાં સન્નાટો વ્યાપી ગયો હતો. તેમનો ઈશારો એ તરફ હતો કે જે લોકો નીડર છે અથવા જેમની પાસે ગુમાવવા જેવું કંઈ નથી, તેઓ જ આતંકી શાસન કે દબાણ સામે ઝૂકતા નથી.
વિપક્ષી નેતાઓ પર થતી કાર્યવાહીના દુરુપયોગના આક્ષેપો વચ્ચે તેમણે ચેતવણીભર્યા લહેકામાં કહ્યું કે, “જો કોઈ દાગ લાગેલો હશે તો સરકાર શું હાલત કરે એ ખબર છે.” તેમણે સમજાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ખોટા કામમાં સંડોવાયેલી હોય અથવા તેના પર કોઈ આક્ષેપ હોય, તો સરકાર તેને દબાવવા માટે તમામ શક્તિનો ઉપયોગ કરે છે. માટે, જો લડવું હોય તો ચારિત્ર્ય શુદ્ધ હોવું અનિવાર્ય છે.