ગુજરાતના નિર્ભયા કાંડના દોષિતનું વડોદરા સેન્ટ્રલ જેલમાં હાર્ટ એટેકથી મોત, કોર્ટે ફટકારી હતી ફાંસીની સજા

ગુજરાત નિર્ભયા કાંડના દોષિતનું હાર્ટ એટેકથી મોત થયું છે. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મના દોષિત વિજય પાસવાનનું વડોદરાની સયાજી હોસ્પિટલમાં હાર્ટ એટેથી મોત થયું છે. અંકલેશ્વર સેશન્સ કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી હતી.

16 ડિસેમ્બર, 2024ના રોજ થયેલા આ દુષ્કર્મે દિલ્હીના નિર્ભયાકાંડની યાદ અપાવી હતી. આ બાળકીનું 23 ડિસેમ્બર, 2024ના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મોત થયું હતું. આમ ગુજરાતની નિર્ભયા 8 દિવસ, 180 કલાક, 10,800 મિનિટ અને 6 લાખ 48 હજાર સેકન્ડ સુધી સતત મરતી રહી હતી. 16 ડિસેમ્બરના 2024ના રોજ મૂળ ઝારખંડના શ્રમિક પરિવારની 10 વર્ષીય બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં બાળકીનો કોઈ પત્તો ન મળતાં આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન, આરોપીએ બાળકીને એકાંત સ્થળે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાના મોઢા, પેટ અને પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યાં 8 દિવસ બાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોત થયું હતું.

સારવાર સમયની સ્થિતિનું વર્ણન કરતા બાળકીના પિતાએ કહ્યું હતું કે, અમે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન મારી દીકરીને બચાવે. મારી દીકરી બોલ્યા કરતી કે પપ્પા, હું નહીં બચું… નહીં બચું… એ વ્યક્તિએ પહેલા મારા મોઢા પર પથ્થર માર્યો, ચાકુ માર્યું અને ખરાબ કામ કર્યું. મારી દીકરીને ન્યાય અપાવો.રાજ્ય સરકાર દ્વારા આ કેસને અત્યંત ગંભીર ગણાવીને સ્પીડી ટ્રાયલ કોર્ટમાં ચલાવવાનો નિર્ણય લેવાયો હતો. ફેબ્રુઆરી 2025માં કેસ શરૂ થયો અને મે 2025ના પહેલા અઠવાડિયામાં ચુકાદો આપવામાં આવ્યો હતો. ચાર્જશીટના 72 દિવસમાં કોર્ટે ફાંસીની ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *