નરોડામાં મર્ડર, શાહપુરમાંથી MD ડ્રગ્સનો જથ્થો જપ્ત તો સાણંદમાં એન્ટી નાર્કોટિક્સ વિંગના દરોડા

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. SP રિંગ રોડ પર આવેલા એક ઢાબામાં પાર્સલ લેવા આવેલા શખ્સો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થતાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન ઢાબા માલિકે ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કરતાં તેમની સાથે પણ બોલાચાલી કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર શખ્સોએ ઢાબા માલિકના દીકરા પર હુમલો કરી તેને માર માર્યો હતો. હુમલા બાદ ઉશ્કેરાયેલા શખ્સોએ ઢાબામાં ટેબલ અને ખુરશીઓની તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી સવાલો ઊભા થયા છે. સાણંદ બાદ હવે નરોડામાં હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. નરોડાના આંબેડકરનગર પાસે આવેલા PM આવાસની બહાર એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ, 3થી 4 શખ્સોએ યુવક પર લાકડીઓ અને દંડા વડે હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓને કારણે યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ નરોડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે અને હુમલાખોરો કોણ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં સતત સામે આવતી આવી ઘટનાઓને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

અમદાવાદમાં ફરી એકવાર ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. શહેરના શાહપુર વિસ્તારમાં એન્ટી નાર્કોટિક્સ વિંગે મોટી કાર્યવાહી હાથ ધરી MD ડ્રગ્સ સાથે પેડલર હમીદખાન પઠાણની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી MD ડ્રગ્સનો જથ્થો મળી આવતા તેને જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હમીદખાન પઠાણે ઈરફાન ઉર્ફે સુલતાન મચ્છી પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ઈરફાન ઉર્ફે સુલતાન મચ્છીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ તેજ કરી છે. હવે પોલીસ દ્વારા ડ્રગ્સના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સો અને સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કફ સિરપના ગેરકાયદે વેપારનો વધુ એક પર્દાફાશ થયો છે. સાણંદ તાલુકાના ફાંગડી ગામમાં અમદાવાદ ગ્રામ્ય એન્ટી નાર્કોટિક્સ વિંગે બાતમીના આધારે દરોડા પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન એક મકાનમાં સંતાડીને રાખવામાં આવેલી કફ સિરપની કુલ 1,430 બોટલો મળી આવી હતી. પોલીસે અંદાજે રૂ. 2.35 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ઘનશ્યામ પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી કફ સિરપનો ગેરકાયદે જથ્થો મકાનમાં છુપાવી ઊંચા ભાવે વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી કફ સિરપના કાળા કારોબાર સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *