CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂત મિત્રો માટે ઉદાર મનથી કામ કર્યું’ખેડૂત આંદોલન પર બોલ્યાં હર્ષ સંઘવી

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ ખેડૂતોના હિતને કેન્દ્રસ્થાને રાખીને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. ખેડૂત મિત્રોની સમસ્યાઓના ઉકેલ માટે તેમણે શાંતિપૂર્ણ અને પરિણામલક્ષી અભિગમ અપનાવી કાર્ય કર્યું છે. ભૂતકાળની લાંબા સમયથી બાકી રહેલી સમસ્યાઓ હોય કે વર્તમાન પડકારો, તેમના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. કૃષિ, સિંચાઈ, વીજળી અને ગ્રામ વિકાસ સહિતના વિવિધ વિષયો પર દૂરંદેશી વિચારસરણી સાથે નિર્ણયો લઈને ખેડૂતોના સર્વાંગી કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવી છે. ખેડૂતો પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને વિકાસલક્ષી દૃષ્ટિકોણને કારણે તેઓ ખેડૂતવર્ગમાં વિશ્વાસ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યા છે.

કોંગ્રેસ દ્વારા આયોજિત કિસાન અધિકાર યાત્રા દરમિયાન અમદાવાદના ઓગણજ વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. યાત્રા દરમિયાન ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ માથાકૂટની ઘટના સામે આવી હતી.ખેડૂતોએ કોંગ્રેસ સામે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે તેમને કોંગ્રેસની સભામાં હાજરી આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે કેટલાક ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો હતો, જે બાદ સ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.

બીજી તરફ, ન્યાયની માંગ સાથે નીકળેલી ટ્રેક્ટર રેલી દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે પણ ઘર્ષણ સર્જાયું હતું. ખેડૂતો ગાંધીનગર તરફ આગળ વધવાની જીદ પર અડગ રહ્યા હતા, જ્યારે પોલીસ દ્વારા તેમને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.અમદાવાદ રિંગ રોડ પર પોલીસ અને ખેડૂતો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે JCB મશીન આડું રાખીને ખેડૂતોનો માર્ગ અવરોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ખેડૂતો દ્વારા વિરોધ ચાલુ રાખવામાં આવતા વિસ્તારમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું હતું.

ઘટનાને પગલે પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. કોંગ્રેસ તેમજ ખેડૂતોના પ્રતિનિધિઓ દ્વારા આ મુદ્દે અલગ-અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સમગ્ર ઘટનાએ રાજકીય ગરમાવો વધારી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *